અમદાવાદનાં હાથીજણ સર્કલ નજીક પ્રયોશા રેસીડેન્સીમાં બે ભાઈ અને ચાર બાળકોના મૃતદેહ મળી આવવાના કેસમાં બાકી લોન હોવાનુ એક કારણ બહાર આવી રહ્યું છે. જે ફ્લેટમાં બનાવ બન્યો હતો તે મકાનની બહાર બેંક દ્વારા લોનની બાબતને લઈને નોટીસ લગાવવામાં આવી હતી. જેથી પોલીસને શરૂઆતથી જ એવી શંકા હતી કે આર્થિક સંકડામણને કારણે આ બંને ભાઈઓએ આ પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં 30 -લાખથી વધુની લોન બાકી હોવાની માહિતી સામે આવી છે જેને લઇને પોલીસે પાનકાર્ડના આધારે બેંક ડીટેલ અને નાણાકીય વ્યવહારોને લઈને તપાસ શરૂ કરી છે. ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે ગૌરાંગ પટેલના નામે પોલીસને અલગ-અલગ બેંકમાં કુલ ૩૭ લોન એકાઉન્ટ મળી આવ્યા છે, જ્યારે અંદાજિત ૩૦ લાખ જેટલી લોનની રકમ ભરપાઈ કરવાની બાકી છે. જ્યારે પોલીસે પરિવારના અલગ-અલગ વ્યક્તિઓની પણ આ મામલે પૂછપરછ શરૂ કરી છે અને લગભગ ૧૦થી વધુ સભ્યોના નિવેદન પણ નોંધાયા છે. જોકે બીજી તરફ બન્ને ભાઈઓનો પરિવાર આ લોનની બાબતથી અજાણ હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ સિવાય બન્ને ભાઈઓએ અન્ય કોઇ જગ્યાએ મોટી રકમના નાણાકીય વ્યવહાર કર્યા છે કે, કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ જે મકાનમાં આ બનાવ બન્યો છે તે મકાનમાંથી પોલીસને ચાર પ્લાસ્ટિકના ગ્લાસ પણ મળી આવ્યા છે. એટલે પોલીસને એવી આશંકા પણ છે કે બાળકોની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ આ પગલું ભર્યું હોય. જેથી પોલીસ એ આ મામલે એફ એસ એલની પણ મદદ લીધી છે