અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કાબૂ બહાર જઈ રહી છે.શહેરમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક ૯૫૧ નવા કેસ નોધાયા છે.ઉપરાંત આઠ લોકોના મોત થતા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૪૨૭૪ ઉપર પહોંચી ગઈ છે.અમદાવાદમાં ફરી એક વખત ઝડપથી વધતા જતા કોરોનાના કેસને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ વહીવટી તંત્રે રહી રહીને અલગ અલગ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમો મોકલીને લોકોને માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવી પડી હતી.શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને ૨૯૪૮ ઉપર પહોંચી જતા કોરોના સંક્રમણની કેટલી ઘાતક અસર થઈ રહી છે એ બાબત બહાર આવવા પામી છે. અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૧થી ઝડપથી કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.શહેરમાં માર્ચ મહિનાના અંતભાગથી કોરોનાના સતત આઠ દિવસ સુધી ૬૦૦ થી વધુ કેસ નોંધાયા બાદ બુધવારે શહેરમાં કોરોનાના ૮૦૪ કેસ નોંધાવા પામ્યા હતા.કોરોના પોતે જ પોતાના રેકોર્ડ તોડી રહ્યો હોય એમ ગુરૂવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોરોનાના નવા ૯૫૧ કેસ નોંધાવા પામ્યા છે.જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.ગત માર્ચથી શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૪૨૭૪ કેસ નોંધાયા છે