ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા બની શકે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.
શિવાનંદ ઝા પછીના સૌથી સિનિયર IPS
છેલ્લા કેટલાક સમયથી DG રેન્કના IPS અને અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલતી હતી. સિનિયર IPS અને 1985ની બેચના એ.કે સિંઘ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.
એક વર્ષ માટે નિમણૂંક
અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઇજી પણ રહી ચૂક્યા છે.