ગુજરાતમાં કોરોનાના કેસ હવે સતત વઘી રહ્યાં છે. નવા કેસોમાં રોજે નવા વિક્રમ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વાર કોરોનાના કેસનો આંકડો 7 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7,410 નવા કેસ નોંધાયા છે અને 2642 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 24-24, રાજકોટ શહેરમાં 7, વડોદરા શહેરમાં 6, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, અમદાવાદ, અમરેલી, ડાંગ, ગાંધીનગર, જૂનાગઢ અને જૂનાગઢ શહેર, સુરત અને વડોદરા જિલ્લામાં 1-1 મળી કુલ 73 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજ્યમાં 6 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4995એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 87.26 ટકા થયો છે.