છેલ્લા 2 માસથી તમામ દેશો કોરોનાની વેકસિન શોધી રહ્યાં છે પણ હજુ કોઈને સફળતા મળી નથી ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ દરરોજ કોરોનાને લઈને નવા નવા આદેશ અને ગાઈડ લાઈન બહાર પાડી રહી છે. પહેલા જે દવાને પ્રતિબંધની યાદીમાં મુકી હતી તેને હવે ફરી ગ્રીન સિગ્નલ આપી દીધુ છે. સ્વાસ્થ્ય સંગઠને (WHO) મેલેરીયાની સારવારમાં વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને કોરોનાની સારવારમાં ફરીથી ટ્રાયલ તરીકે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગૈબરેયેસસે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ ફરી શરૂ કરવાની વાત કહી છે. અગાઉ આ જ દવાને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું. અને હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ રોકી દીધી હતી. આ પહેલા પણ એક રિપોર્ટમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી ફાયદો થતો હોવાનો કોઈ પુરાવો નથી તેમ જણાવાયુ હતું. હાઈડ્રોક્સીક્લોરોક્વીન નામની આ દવા મેલેરીયાની સારવારમાં વપરાય છે. આ દવાનું ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓ ભારતમાં આવેલી છે. ગત મહીને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિનંતીને માન આપીને ભારતે આ દવાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો.