આખરે કોરોનાને લઈને સૌથી મોટા સારા સમાચાર દેશ વાસીઓને નવા વરસે મળવા જઈ રહ્યાં છે. કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ મોટી જાહેરાત કરી છે જેમાં ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશિલ્ડના 4 કરોડ ડોઝ તૈયાર કરી લેવાયા છે. સાથે જ તેના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ માટે 1,600 લોકોનું રજિસ્ટ્રેશન પણ થઇ ગયું હોવાની માહીતી આપી છે. દિવાળી વચ્ચે ફરી કોરોનાએ માથુ ઉંચકયુ છે અને હવે ફરી રોકેટ ગતિએ કોરોનાના કેસ નોધાઈ રહયા છે ત્યારે કોવિશિલ્ડની ટ્રાયલ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ ની દેખરેખ હેઠળ ચાલી રહી છે. એસઆઇઆઇએ કોવાવેક્સ વેક્સિન માટે અમેરિકી કંપની નોવાવેક્સ સાથે ટાઇઅપ પણ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ, નોવાવેક્સે વર્ષ 2021માં 100 કરોડ ડોઝ સપ્લાય કરવા એસઆઇઆઇ સાથે કરાર કર્યો છે. દેશના અમુક રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યામાં થઇ રહેલો વધારો ચિંતાનું કારણ બન્યો છે. એઇમ્સ, દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે વેક્સિનના સ્ટોરેજ માટે જરૂરી લઘુત્તમ માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ભારતમાં એક મોટો પડકાર છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં. જોકે, રિપોર્ટ્સ મુજબ, કોલ્ડ ચેન માટેની તૈયારી શરૂ કરી દેવાઇ છે, જેથી વેક્સિન દેશભરમાં ઉપલબ્ધ થઇ શકે, કેમ કે વેક્સિન પૂરી પાડનારી મોટા ભાગની કંપનીઓને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડશે.