બોટાદ જિલ્લાના ગઢડામાં ધનતેરસે ભાઈના હાથે પોતાના ભાઈની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. સામાકાઠાં વિસ્તારમાં રહેતા મંગળુભાઈ ભીમસરીયા અને તેના નાનાભાઇ કિશોરભાઈ વચ્ચે ઘર કંકાસના કારણે બોલાચાલી થતાં મોટાભાઈએ નાનાભાઈને ધોકા વડે માર મારતા કિશોરભાઈનુ મોત થઈ ગયુ હતુ. ગુરુવારે મોડી રાત્રે બન્ને ભાઈઓ વચ્ચે ઘર બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાટમાં આવીને મારામારી કરી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં નાનાભાઈ કિશોરભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા જો કે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમૉર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.