રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની 18 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં આ ચૂંટણી ના યોજવાની માંગ કરી છે. અમિત ચાવડાએ કહ્યુ કે, વર્તમાન સંજોગોમાં કોરોના મહામારી ચાલી રહી છે. જો ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના સંક્રમણ વધુ ફેલાવવાનો ડર રહેલો છે. પ્રજાજનો પણ ચૂંટણી પ્રચાર અને તેની પ્રક્રિયાથી નારાજ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરતા 19 માર્ચ 2021ના રોજ આપના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાના સંદર્ભમાં કેટલીક નક્કર હકીકતો પ્રત્યે આપનું ગંભીરતાપૂર્વક ધ્યાન દોરતા જણાવવાનું કે, અગાઉ રાજ્યની છ મહાનગરપાલિકાઓની જાહેરાત પૂર્વે તે છ મહાનગરપાલિકાની ચૂંટણીઓની સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષની આ અત્યંત વ્યાજબી માંગણીને પણ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી.