ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જતા ટ્રેનનાં મુસાફરોએ પણ હવે ફરજિયાતપણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને તે કોરોના સંક્રમીત ન હોવાનો રિપોર્ટ સાથે રાખવો પડશે. આ અંગે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક અસરથી પાલન કરવાની સુચના આપી દીધી છે. મુસાફર તેના ગંતવ્ય સ્ટેશને પહોંચ્યા પહેલાના ૪૮ કલાકની અંદર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હોવો જરૂરી છે. ગુજરાતમાંથી મુંબઇ, પુણે, નાગપુર કે પછી મહારાષ્ટ્રના કોઇપણ ખુણે જતી ટ્રેનોના મુસાફરોએ હવેથી ફરજિયાત પણે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો પડશે. ગુજરાતથી મહારાષ્ટ્ર થઇને તમીલનાડુ, કેરલ, કર્ણાટક કે પછી દક્ષિણ ભારતમાં જતી ટ્રેનના મુસાફર કે જેઓ મહારાષ્ટ્ર ઉતરવાના છે તેઓએ પણ આ રિપોર્ટ રાખવો પડશે. નોંધપાત્ર છેકે દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવતી ટ્રેનોના મુસાફરોએ આરટી-પીસીઆર ટેસ્ટ સાથે રાખવાના નિર્ણય અગાઉ લઇ લીધો છે. જેના અનુસંધાને જ અમદાવાદ રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ માંગવામાં આવી રહ્યા છે. જેઓની પાસે તે ન હોય તેના સ્ટેશન પરિસરમાં જ આ ટેસ્ટ કરાઇ રહ્યા છે. ટ્રેનમાં કે સ્ટેશન પરિસરમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવાયું છે આ માટે મુસાફરને ૫૦૦ રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.