જામ ખંભાળિયાના ચકચારી નિશા ગોંડલિયા ફાયરિંગ કેસના બે આરોપીને ગુજરાત ATS અને દેવભૂમિ દ્વારકા SOGની ટીમે એસ.જી. રોડ પરના ઉજાલા સર્કલ પાસેથી ઝડપી લીધા છે. તે સાથે ગુનામાં વપરાયેલી ઈનોવા કાર અને પિસ્ટલ પણ જપ્ત કરી છે. નિશા ગોંડલિયાએ તેના દુશ્મનોને ફસાવી દેવા જાતે જ પોતાના પર સશસ્ત્ર હુમલો કરાવ્યો હતો. તા.૨૯/૧૧/૨૦૧૯ના રોજ નિશાબેન ગુલાબદાસ ગોંડલિયાએ વાડીનાર મરિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, જામનગરમાં એડવોકેટ કિરીટ જોશીના હત્યા કેસમાં તેઓ સાક્ષી હતા અને તેઓને સાક્ષીમાંથી ખસી જવા માટે અને કોઇ પુરાવા રજૂ ન કરવા માટે યશપાલસિંહ નામનો શખ્સ ધમકીઓ આપે છે. તે અંગે તેમણે રજૂઆતો અને અરજીઓ પણ કરી હતી. આ બાબતની અદાવત રાખી જયેશ પટેલ તથા તેમના ભાગીદાર યશપાલસિંહ જાડેજાએ તથા તેના મળતીયાઓએ ભેગા મળી બેથી ત્રણ અજાણ્યા વ્યક્તિો દ્વારા તેઓ જામ ખંભાળિયા આરાધના ધામ નજીક સિદ્ધિ હોટલ આગળ જમવાનું પાર્સલ લઇને પોતાની કારમાં બેસવા જતા હતા તે વખતે સફેદ કારમાં અજાણ્યા વ્યક્તિોએ આવી તેઓને જાનથી મારી નાખવા રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. એક રાઉન્ડ તેઓની કાળા રંગની વરના ગાડીમાં વાગેલી તથા એક રાઉન્ડ હવામાં ફાયર કર્યો હતો. તેમના માથામાં રિવોલ્વરના નીચેના ભાગથી માર મારી ઇજા પણ પહોંચાડી હતી.
બાતમીના આધારે ATS અને દેવભૂમિ દ્વારકાની SOGની ટીમે અયુબભાઇ અબ્બાસભાઇ જાતે દરજાદા તથા મુકેશ ઉફે મુકેશ સિંધી જાનીભાઇ જાતે શર્મા ને ઉપરોક્ત ગુનામાં ઉપયોગમાં લીધેલી સફેદ રંગની ઇનોવા કાર તથા ગુનામાં વપરાયેલી વગર લાઇસન્સની પિસ્ટલ સાથે ઉજાલા સર્કલ, એસ.જી. હાઇવે નજીકથી પકડી લઈ મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જયેશ પટેલ તથા યશપાલ જાડેજા સાથે જામનગરના બિલ્ડર જિતેન્દ્ર ઉફે લાલાભાઇ ગોરિયા તથા નિશાબેન ગુલાબદાસ ગોંડલિયાને આર્થિક લેવડદેવડ બાબતે ઝઘડો ચાલતો હતો અને આ બાબતમાં તેઓ બન્ને ઉપર ફરિયાદ કરવા માટે થઇ નિશાબેન ગુલાબદાસ ગોંડલિયાએ યશપાલ જાડેજાના નાના ભાઇના લગ્ન હોય તે જ દિવસે પોતાના ઉપર ફાયરિંગ કરાવડાવી તેનો આરોપ યશપાલ જાડેજા તથા જયેશ પટેલ ઉપર નાખવા માટે જિતેન્દ્ર ઉફે લાલાભાઇ ગોરિયા પર નિશાબેન ગોંડલિયાએ દબાણ કરતા જિતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરિયાએ પોતાના ડ્રાઇવર અયુબભાઇ દરજાદાને તથા મુકેશ સિંધીને ઉપરોક્ત ઇનોવા કાર તથા પિસ્ટલ આપી નિશા ગોંડલિયા આરાધના ધામ પાસે આવેલી સિદ્ધિ હોટલ ઉપર જમવાનું પાર્સલ લેવા માટે પોતાની કાળા રંગની વરના કાર લઇ ઊભી રહેવાની છે ત્યારે તેની નજીક ગાડી ઊભી રાખી એક રાઉન્ડ ગાડી ઉપર અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી પિસ્ટલનો બટ માથામાં મારી ઇજા કરવા જણાવેલું હતું તે પ્રમાણે ઉપરોક્ત બન્ને આરોપીએ પ્લાનિંગ પ્રમાણે હુમલો કર્યો હતો.