31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જંયંતિ અને શરદ પૂર્ણિમાનું પર્વ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેવડિયા ખાતેથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ પહોંચશે. અમદાવાદ ખાતે સી પ્લેન પહોચી ચુકયુ છે. સી પ્લેન સાથે માલ્દિવ્સથી બે પાયલોટ સહિત 6 ક્રૂ મેમ્બર્સ પણ આવેલા છે. સી પ્લેનમાં બે પાયલોટ-3 ક્રૂ મેમ્બર્સ અને 14 મુસાફરો એમ કુલ 19 લોકો બેસી શકશે. કેવડિયા ખાતે સી પ્લેનનું ટેસ્ટિંગ કરાયુ આ પછી સી પ્લેનનું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લેન્ડિંગ થયું હતું. અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ પણ 20 મિનિટ સુધી સી પ્લેનની ટ્રાયલ લેવાઈ હતી. સી પ્લેને માલ્દિવ્સથી કોચીનું 820, કોચીથી ગોવાનું 760 અને ગોવાથી અમદાવાદવાદનું 1103 એમ 26 કલાકમાં 2683 કિલોમીટરની મુસાફરી કરી હતી. આ સીપ્લેન ટ્વિન ઓટ્ટર 300 છે અને તે સ્પાઇસ જેટ ટેક્નિકના નામે રજીસ્ટર્ડ થયેલું છે. તેના દ્વારા જ સી પ્લેનને ઓપરેટ કરવામાં આવશે. સી પ્લેન માટે બે પાયલોટ ફઝલૂન શેખ અને ઇબ્રાહીમ શેખ માલ્દિવ્સથી આવેલા છે. આ બંને પાયલટ્સ દ્વારા જ આગામી 6 મહિના સુધી સી ફ્લાઇટ ઓપરેટ કરાશે અને તેની સાથે ભારતીય પાયલટને ટ્રેનિંગ આપશે.