અમદાવાદના નિકોલમાં રહેતી એક સગીરાને પોલીસ હોવાની ઓળખ આપીને છેડતી કરનારા વિકૃત યુવકની પોલીસે સીસી ટીવી ફુટેજની મદદથી ધરપકડ કરી છે. સગીરાની છેડતી કરવા માટે આ યુવકે પોલીસ હોવાનું નાટક કર્યું હતું. પૂ્ર્વ વિસ્તારમાં રહેતી સગીરા સ્કુલના મિત્રો સાથે બેઠી હતી ત્યારે એક યુવકે પોતે પોલીસ હોવાનુ કહીને પુછપરછ શરુ કરી હતી બાદમાં તેની સાથે રહેલા મિત્રને લાફો મારીને ભગાડી દીધો હતો. અને કહેવાતા પોલીસે પિતાને બોલાવવાની ધમકી આપીને છેડતી કરી હતી. આ અંગે સગીરાએ સમય સૂચકતા વાપરીને બુમાબુમ કરતાં નકલી પોલીસ ભાગી ગયો હતો. બાદમાં સગીરાએ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસે ઘટનાસ્થળે આવીને સગીરાની પુછપરછ કરીને તમામ વિગતો મેળવી હતી જેમાં સીસી ટીવી ફુટેજ ચેક કરતાં વિકૃત યુવક સ્થાનિક હોવાનુ અને ભરત રાઠોડ નામ હોવાનુ ખુલતા તેને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં નકલી પોલીસ વાહન ચેકિંગ અને નીત નવા ચેકિંગના બહાના કાઢીને લોકોને નિશાન બનાવી રહ્યાં છે અને અમદાવાદ સીપી દ્રારા પણ નકલી પોલીસથી બચવા માટે પોલીસને જાણ કરવાની અપીલ પણ કરાઈ છે.