આવકવેરા વિભાગે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ અને ફિલ્મ બિઝનેસ સાથે સંકળાયેલી એજન્સીઓ વિરુદ્ધ અત્યાર સુધી કરેલી તપાસમાં આશરે રૂ. 300 કરોડની હેરાફેરીના પુરાવા મળ્યા છે. આ દરમિયાન આઈટી વિભાગ તરફથી હેરાફેરીના પ્રાથમિક આંકડા જાહેર કરાયા છે. આ તપાસમાં ફિલ્મ ડિરેક્ટરો અને શેરધારકો વચ્ચે વિતરિત શેરોની વાસ્તવિક કિંમત ઓછી દર્શાવવા અને હેરાફેરીના પણ પુરાવા મળ્યા છે. તેમાં આશરે રૂ. 350 કરોડની કરચોરીનું અનુમાન છે. આ દરમિયાન અભિનેત્રી તાપસી પન્નુએ રૂ. પાંચ કરોડ રોકડ લીધા હોવાની માહીતી ખુલી છે . જાણીતા ફિલ્મ ડિરેક્ટરો, નિર્માતાઓ દ્વારા નકલી ખર્ચ દર્શાવીને ગોટાળા કર્યાના પણ પ્રમાણ મળ્યા છે, જેમાં આશરે રૂ. 20 કરોડના ગોટાળાનું અનુમાન છે. એક પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડક્શન હાઉસે જંગી આવક છુપાવ્યાના પણ પુરાવા મળ્યા છે. તેઓ બોક્સ ઓફિસ પર વાસ્તવિક કલેક્શનની તુલનામાં ઘણાં ઓછો આંકડા દર્શાવતા. આ કંપનીના અધિકારીઓ આશરે રૂ. 300 કરોડના હિસાબ અંગે સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.