અમરેલી, બગસરાઃ
છેલ્લા એક માસમાં 17ને ભરખી જનારો આદમખોર દીપડો ઠાર તો થયો છે પણ હજુય જંગલમાંથી અનેક દિપડાઓ આસપાસના ખેતરોમાં જોવા મળતા ખેડૂતોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે એક તરફ વનતંત્ર દિપડાઓને શોધવા કામે તો લાગ્યુ છેપણ દીપડાની સંખ્યા વધુ હોવાથી પુરેપુરી સફળતા મળી નથી. છેલ્લા 24 કલાકમાં 3 થી વધુ દીપડા અલગ અલગ રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહ્યાં છે એટલુ જ નહિ નાના મોટા શિકાર પણ કરી રહ્યા છે વન વિભાગે દીપડાને પકડવા ઠેર ઠેર પાંજરા પણ મુકયા છે જો કે ચાલાક દીપડા વન તંત્રના હાથમાં આવતા નથી તેેેને લઈને બગસરાની આસપાસના ગામોમાં હજુય ભયનો માહોલ યથાવત રહેવા પામ્યો છે
દીપડાના હુમલાની ઘટના વધી
તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડ પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરના રોજ બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આજે હાથમાં બંધુક લઈ દીપડાઓને ભડાકે દેવાની ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાક્રમ વચ્ચે દીપડાઓને પાંજરે પુરવા માટે સરકારે કડક સૂચના આપી છે. બગસરા વિસાવદરમાં 8 માસમાં 13 દીપડા વનવિભાગે પાંજરે પૂર્યા હોવા છતાં દીપડાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ફેબ્રુઆરથી લઈ ડિસેમ્બર સુધીમાં દીપડાએ ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11 જેટલા લોકોને ફાડી ખાધા છે.
24 કલાકમાં બગસરા પંથકમાં દિપડોનો બીજો હુમલો
અમરેલી પંથકમાં દિપડાના હુમલામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે બગસરા તાલુકાના લુંઘીયા ગામમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો અને 45 વર્ષીય દયાબેન ઉકાભાઇ માળવી નામની મહિલા પર હુમલો કર્યો હતો. હુમલાથી દયાબેને બૂમાબૂમ કરી મુકતા ઘરના અન્ય સભ્યો દોડી આવ્યા હતા અને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા લોહીલૂહાણ બની ગઇ હતી. બગસરા પંથકમાં 24 કલાકમાં આ
દિપડાનો બીજો હુમલો છે.
દીપડા છેલ્લા 10 મહિનામાં કયા દિવસે કોને ફાડી ખાધા દીપડા છેલ્લા 10 મહિનામાં કયા દિવસે કોને ફાડી ખાધા
1- 26 ફેબ્રુઆરી 2019, ચલાલાના ગોપાલગ્રામમાં અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને ફાડી ખાધો
2- 28 જૂન 2019, તાલાલાનાં જેપુર ગામમાં લઘુશંકાએ ગયેલા હીરીબેન ગોસિયા નામના 65 વર્ષીય વૃદ્ધા દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધા
3- 20 સપ્ટેમ્બર 2019, ખાંભાના મુંજીયાસરમા નનુબેન રામભાઈ પરમાર (ઉંમર 70) એક કીમી ઢસડી ફાડી ખાધા
4-28 સપ્ટેમ્બર 2019, અમરેલીના ચાંદ ગઢમાં ચિરાગ પારશીંગભાઈ કટારા નામના 6 વર્ષના બાળકને ફાડી ખાધો
5- 29 સપ્ટેમ્બર 2019, ધારીના મોણવેલમાં મનસુખભાઇ અરજણભાઈ વાળા અને કરશનભાઈ ભીમાભાઈ સગઠિયા નામના સાળા બનેવીને દીપડાએ મારી નાખ્યા કટકે કટકા કરી દીધા
6- 20 સપ્ટેમ્બર 2019, વિસાવદરના પીંડાખાઈમાં ઘરની ઓસરીમાં સુતેલા 60 વર્ષીય વાલાભાઈ માણદભાઈ મારૂને ફાડી ખાધા
7- 25 ઓક્ટોબર 2019, બગસરાના મુંજીયાસરમાં નાગજીભાઈ પટોળીયા નામના વૃદ્ધને દીપડાએ મારી નાખ્યા
8- 17 નવેમ્બર 2019, બગસરાના રફાળામાં પરપ્રાંતીય ખેતમજૂરની ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
9- 05 ડિસેમ્બર 2019, બગસરાના મુંજીયાસરના વજુભાઇ બોરડ નામના 55 વર્ષીય ખેડૂતને દીપડાએ ફાડી ખાધા
10- 7 ડિસેમ્બર 2019, બગસરાની સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ ઉંમર 40 ખેત મજૂર દીપડાએ ફાડી ખાધા
નવ ખેડૂતોને દીપડાએ ફાડી ખાધા
આ વિસ્તારમાં અઢી માસમાં જ નવ ખેડૂતને દીપડાએ ફાડી ખાધા છે. બગસરાની આસપાસના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી ઘટના બની છે. જેમાં ગુરુવારે બગસરાના મોટા મુંજીયાસરમાં આધેડ ખેડૂતને દીપડાએ ફાડી ખાધાની ઘટના બાદ બીજા જ દિવસે શુક્રવારે બગસરામાં પ્રકાશભાઈ બરજોડ નામના ખેત મજૂર પર હુમલો કર્યો હતો. જોકે સદનસીબે તેની આસપાસમાં આન્ય લોકો હોવાથી હાકલા પડકારા કરતાં દીપડાએ પ્રકાશભાઈને છોડી દીધા હતા. ત્યારે બાદ શનિવારે ફરી આ હુમલો કર્યો છે. ઘટનાને પગલે ત્રણ સીસીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓ અમરેલી દોડી આવ્યા હતાં. કોઇપણ ભોગે દીપડાને પકડવા અથવા ઠાર કરવા કાર્યવાહી હાથ ધરાય છે. તંત્રમાં આ મુદે બેઠકનો ધમધમાટ જોવા મળ્યો હતો. જિલ્લા કલેક્ટરે આગામી 48 થી 72 કલાકમાં દીપડાને પકડી લેવા તંત્રને કામે લગાડ્યુ છે.
MLAએ બંદૂક ઉઠાવી
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા બંદુક લઈને નીકળી પડ્યા છેે. તેમણે કહ્યું કે, વનતંત્ર દીપડા પાંજરે નહી પુરે તો અમે ઠાર મારીશું અને જે આડો આવશે તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઇશું.
જંગલમાં ઘુસણખોરી થવાને કારણે દીપડા અને માનવ વચ્ચેના સંઘર્ષ વધ્યા
ગુજરાતમાં દીપડા અને માનવ સંઘર્ષ વચ્ચે સૌપ્રથમવાર કામ કરનારા વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ મનિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, જંગલોમાં દબાણ વધવાથી લઈ નહેર, રસ્તા અને થાંભલા તથા રેલ પ્રોજેક્ટને કારણે તેમને ખલેલ પહોંચવા લાગી છે. તેમજ પાણીની તંગીને કારણે દીપડાઓ માનવ વસતિમાં પાણીની શોધમાં આવવા લાગ્યા અને તેને કારણે સંઘર્ષ થવા લાગ્યો છે. ઘણીવાર લોકો કાયદો ભંગ કરી મર્યાદા વટાવે છે એટલે સંઘર્ષ વધવા લાગ્યા છે.
રાત્રે કામ વગર ઘર બહાર ન નીકળવા વન વિભાગની અપીલ બગસરામાં ખેત મજૂરને દીપડાએ ફાડી ખાધા બાદ ઈન્ચાર્જ એ.સી.એફ. રાજલ પાઠકે બગસરા તાલુકાના સરપંચો અને ખેડૂતોને એલર્ટ કરી કહ્યું કે રાત્રે કામ વગર ઘર બહાર નીકળવાનું ટાળવું. જાહેર જનતા વનવિભાગને સહકાર આપે. વનવિભાગની તમામ ટીમો 24 કલાક દીપડાને પકડવા માટે ઓપરેશન કરી રહી છે.
ગમે ત્યારે ફાયરિંગ થશે, ખેડૂતોને રાત્રે ખુલ્લામાં ન રહેવા સૂચના
- વનતંત્રએ શૂટરો સાથેની 10 ટીમ ઉતારી છે. દીપડો દેખાતાં જ ફાયરિંગ કરશે. રાતે લોકોને બહાર ન જવા સૂચના આપી છે.
- મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક સાથે ટેલીફોનિક વાત કરી.
- ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે. લોકેશન પર કેમેરા અને નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
- દીપડાને પકડવા માટે ટ્રાન્કિવલાઇઝર ગન સાથે 6 વેટરનરી ડોક્ટર તહેનાત રખાયા છે. પોલીસ પણ જોડાઈ છે.