ફરી વાર અમેરિકા અને ભારતની મજબુત દોસ્તી ઉભરીને બહાર આવી રહી છે.સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસની રસી બનાવવા માટે અમેરિકા ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે છે. અમે ભારતને અંદાજે ૨૦૦ વેન્ટિલેટર દાનમાં આપીશું. આ વેન્ટિલેટર ત્રણેક સપ્તાહમાં ભારતમાં પહોંચે તેવી સંભાવના છે. આ જાહેરાતો બદલ વડાપ્રધાન મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે આ વર્ષના અંત સુધીમાં કોવિડ-૧૯ની રસી બની જશે. ટ્રમ્પે કોવિડ-૧૯ની રસી વિકસાવવા માટે ઓપરેશન વાર્પ સીડની જાહેરાત કરી હતી. તેમણે આ ઓપરેશનના નેતૃત્વ માટે ગ્લેક્સોસ્મિથક્લીન વેક્સીન્સના ભૂતપૂર્વ પ્રમુખ મોનસેફ સ્લોઉઈ અને આર્મી જનરલ ગુસ્તાવ પેર્નાની નિમણૂક કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા લાભ કમાવવા માટે રસી નથી બનાવતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવતા ટ્રમ્પે કહ્યું, ભારત ખૂબ જ શાનદાર દેશ છે અને ત્યાંના વડાપ્રધાન મારા સારા મિત્ર છે. ટ્રમ્પે એક ટ્વીટ કરી ભારતને મોટી સંખ્યામાં વેન્ટિલેટર આપવાની પણ વાત કરી છે.