દશેરાના દિવસે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર તેમજ માસ્ક પહેર્યા વગર ગ્રાહકોની ભીડ ભેગી કરનાર 2 ફરસાણાના વેપારી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. સોલા રોડ પરના વાડીગામ ફરસાણ, ઉમિયા ગાંઠિયા રથનો સમાવેશ થાય છે. બંને વેપારી વિરુદ્ધ પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. દશેરાના દિવસે બપોરે ઘાટલોડિયા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંંગમાં નીકળી હતી. ત્યારે પારસનગર ખાતેના વાડીગામ ગૃહ ઉદ્યોગ ફરસાણની દુકાનમાં મોટી સંખ્યામાં લોકો ફાફડા જલેબી લેવા આવ્યા હતા. જ્યાં ફરસાણની દુકાનના માલિક ગૌમતભાઇ જયંતિલાલ પટેલ એ સોસિયલ ડિસ્ટન્સનું પાલન કર્યુ ન હતું તેમજ માસ્ક પહેર્યા વગર બેસીને ગ્રાહકોને ફાફડા જલેબી વેચી રહ્યા હતા. જેથી પોલીસે ગૌતમભાઇ પટેલ વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી ગૌતમભાઇની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પારસનગર રોડ ઉપર આવેલા ઉમીયા ગાંઠીયા રથ ખાતે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ગ્રાહોકની ભીડ ભેગી કરીને ફાફડા અને જલેબી વેચવામાં આવી રહ્યા હતા. ઘાટલોડિયા પોલીસે ઉમીયા ગાંઠીયા રથના માલિક વસંતભાઇ ખીમજીભાઇ વાણાણી વિરુદ્ધ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.