કોરોના વચ્ચે વિજય તથા વિજય સેતુપતિ સ્ટારર તમિળ એક્શન ડ્રામા ‘માસ્ટર’ને થિયેટરમાં બમ્પર ઓપનિંગ મળ્યું છે. કોરોનાકાળમાં રિલીઝ થયેલી આ પહેલી ફિલ્મ છે, જે માત્ર દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ જ નથી થઈ પરંતુ શો હાઉસફુલ જઈ રહ્યાં છે. આ ફિલ્મમાં વિજય તથા વિજય સેતુપતિ ઉપરાંત માલવિકા મોહનન, શાંતનુ ભાગ્યરાજ, અર્જુન દાસ મહત્ત્વના રોલમાં છે. ડિરે્કટર લોકેશ કનાગરાજ તથા કો રાઈટર રત્ન કુમારે પણ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરન્સ આપ્યું છે. થિયેટરની બહાર અને અંદર કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા.દર્શકો ફિલ્મ રિલીઝ થાય તેના એક દિવસ પહેલાં થિયેટરની બહાર ટિકિટ બારી આગળ લાંબી લાંબી લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યાં હતાં. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે માત્ર તમિળનાડુમાં જ નહીં, પરંતુ મુંબઈના થિયેટરમાં પણ અંદર તથા બહાર દર્શકોની ભીડ બેકાબૂ જોવા મળી હતી. પોતાના ફેવરિટ સ્ટાર્સની ફિલ્મના સેલિબ્રેશનમાં લોકો એ વાત ભૂલી ગયા કે કોરોના ગયો નથી. તેમણે ના તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું અને માસ્ક પણ પહેર્યો નહોતો.