દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ગુરુવારે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ સમિટ દરમિયાન બન્ને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને વધુને વધુ મજબૂત કરવા પર ભાર મુકયો હતો. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે તમે જે રીતે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી વચ્ચે ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું કે આપણે રૂબરૂ મળીશું તો ગળે જરૂર મળીશું અને ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારા નાગરિકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકશાહી દેશ હોવાના કારણે આપણી ફરજ છે કે આપણે આ અપેક્ષાઓને પૂરી કરીએ. આજે જ્યારે અલગ-અલગ રીતે લોકશાહીના મૂલ્યોને નબળા બનાવાઈ રહ્યા છે, ત્યારે આપણે અરસ-પરસના સંબંધો વધારીને તેને મજબૂત કરી શકીએ તેમ છીએ. બન્ને દેશો વચ્ચે સતત ઉચ્ચ કક્ષાની વાતચીત થઈ રહી છે.