રાજુલામાં સરકારી અનાજ બારોબાર વેચાણ કરવાનુ કૌભાંડ બહાર આવ્યુ છે. રાજુલાના માર્કેટ યાર્ડમાં એક બાજુ ટેકાના ભાવે મગફળીનું વેચાણ ચાલતું હતું એ દરમ્યાન તંત્ર દ્વારા સરકારી ઘઉં અને ચોખાનો માતબર જથ્થો મળી આવ્યો છે સરકારી રાશનનો મસમોટો જથ્થો અહીં હરરાજી દરમ્યાન વેચી નખાયો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. લોકડાઉન દરમ્યાન ગરીબો માટે ફાળવાયેલો સરકારી અનાજનો આ જથ્થો વ્યાજબી ભાવની દુકાનોમાંથી લવાયો હોવાની શંકા છે. રાજુલાના યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઈ હતી આ દરમ્યાન નાયબ કલેક્ટરને મળેલી બાતમી આધારે યાર્ડમાં ઘઉં અને ચોખા અંગે તપાસ કરાઈ હતી પણ આ વિસ્તારમાં ચોખા થતા નથી એમ છતાં ચોખાની હરરાજી જોઈને અધિકારી ચોંકી ગયા હતા. વધુ તપાસ કરતાં ઘઉંની ૭૭૮ ગુણી અને ચોખાની ૨૦૦ ગુણીનો જથ્થો કબજે કરાયો હતો તમામ જથ્થો સીઝ કરીને ૩ ટ્રકમાં ભરાવડાવીને એને સરકારી ગોડાઉનમાં રખાવ્યો હતો. આ અંગે વેપારીઓએ જણાવ્યું કે આ જથ્થો યાર્ડમાં હરરાજીમાં આવ્યો હતો તે હરરાજીમાંથી ખરીદ કર્યો હતો. એના બિલ પણ પોતાની પાસે હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
ગરીબોનું અનાજ કોની સંડોવણીથી વેચાયું?
રાજુલામાં પકડાયેલા સરાકરી અનાજના જથ્થા અંગે અનેક સવાલો ઉભા થયા છે. આટલો મોટો ગરીબોનો જથ્થો કોની સંડોવણીથી બારોબાર વેચાઈ ગયો તથા આ જથ્થો વેચવામાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી પણ છે કે કેમ? એ અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.