રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો આપવા માટે કૉંગ્રેસના 8 પૂર્વ ધારાસભ્યએ ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધા હતા. જેથી આ બેઠકોની પેટા ચૂંટણી છ મહિનામાં કરવી પડશે. બીજી તરફ પાંચ ધારાસભ્યોએ ભાજપમાં પ્રવેશ મેળવી લઈને ટીકીટની દાવેદારી શરુ કરી છે. જેને પગલે પેટાચૂંટણી યોજવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે.તેમાં કચ્છની અબડાસા(પ્રદ્યુમનસિંહ જાડેજા), સુરેન્દ્રનગરની લીંબડી(સોમા ગાંડા પટેલ), મોરબી(બ્રિજેશ મેરજા), અમરેલીની ધારી(જેવી કાકડીયા), બોટાદની ગઢડા(પ્રવીણ મારુ), વલસાડની કપરાડા(જીતુ ચૌધરી), વડોદરાની કરજણ(અક્ષય પટેલ) તેમજ ડાંગ(મંગળ ગાવિત) બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો ધારાસભ્યએ પક્ષ અને પદ પરથી રાજીનામા આપવાના કારણે ખાલી પડી છે. આ સિવાય મોરવાહડફ, દેવભૂમિ દ્વારકા અને ધોળકાની બેઠક સબ જ્યુડિશિયલ છે. જેની ચૂંટણીનો આધાર કોર્ટ દ્વારા આપવામાં આવતા નિર્ણયોને આધીન રહેશે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.