રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાલમાં જ પૂર્ણ થયેલા રાઇટ્સ ઇશ્યૂમાં ઓફર કરવામાં આવેલા શેર સોમવારે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. 42 દિવસની પ્રક્રિયામાં આ ઇશ્યૂ પૂર્ણ કરવામાં આવ્યો હતો. BSE દ્વારા જણાવાયું છે કે, સોમવાર 15 જૂન, 2020ની અસરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નવા શેર (સ્ક્રિપ્ટ કોડઃ 890147) લિસ્ટ થશે અને ‘A’ ગ્રૂપ ઓફ સિક્યુરિટિઝની યાદીમાં એક્સચેન્જ પર તેનું ટ્રેડિંગ થશે.
કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલા રાઇટ્સ ઇશ્યૂ અંતર્ગત 11 જૂનના રોજ RIL દ્વારા તેના શેર ધારકોને તેમના ડિમેટ એકાઉન્ટમાં અંશતઃ ચુકવણી થયેલા શેરનું એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારીના પગલે થયેલા લોકડાઉનની મુશ્કેલીઓને પરાસ્ત કરીને માત્ર 42 દિવસમાં રાઇટ્સ ઇશ્યૂની જાહેરાતથી માંડીને એલોટમેન્ટ સુધીની કાર્યવાહી સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. RILનો રૂ.53,124 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ છે. જ્યારે છેલ્લા દસ વર્ષમાં કોઈ નોન-ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા લાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ પણ છે. ગત અઠવાડિયે સંપન્ન થયેલો આ રાઇટ્સ ઇશ્યૂ 1.6 ગણો છલકાઈ ગયો હતો, જેમાં રોકાણકારોએ કુલ રૂ.84,000ના રોકાણની પ્રતિબદ્ધતા બતાવી હતી.
રાઇટ્સ ઇશ્યૂએ વૈશ્વિક સ્તરે રોકાણકારોમાં રસ જગાવ્યો હતો, જ્યાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)એ કંપનીમાં રોકાણ કરવાની તક ઝડપી લીધી હતી. કોવિડ-19ના પરિણામે આર્થિક ગતિવિધિઓ મંદ પડી હોવા છતાં રોકાણકારોએ અભૂતપૂર્વ રસ દાખવ્યો હતો. શેરબજારની આંકડાકીય માહિતી મુજબ 31 માર્ચ, સ્થિતિએ કંપનીમાં રોકાણ કરનારા FPIsની સંખ્યા 1318 હતી જે 11 જૂન, 2020ની સ્થિતિએ વધીને 1395 થઈ છે.
માર્ચ 2020ની સ્થિતિએ RILમાં FPIsનો હિસ્તો 23.48 ટકા હતો જે હાલ વધીને 24.15 થયો છે. રાઇટ્સ ઇશ્યૂ એકદમ સરળ હતો કારણ કે તેમાં પ્રવર્તમાન રોકાણકારોને એક ફિક્સ, ડિસ્કાઉન્ટેડ કિંમતે ઓફર કરવામાં આવી હતી. તેના દ્વારા પ્રવર્તમાન રોકાણકારોને વધુ ઇક્વિટી મળે તેવી સુવિધા કરી આપવામાં આવી હતી.
રાઇટ્સ ઇશ્યૂમાં સબસ્ક્રાઇબર ન થયેલા દરેક શેરને સબસ્ક્રાઇબ કરવાના વચનને નિભાવતાં RILના પ્રમોટર ગ્રૂપનું નેતૃત્વ કરનારા બિલિયોનેર શ્રી મુકેશ અંબાણીએ તેમના એન્ટાઇટલમેન્ટ કરતાં વધારે શેર માટે એપ્લાય કર્યું હતું અને અંશતઃ ચુકવણી થયેલા 22.5 કરોડનું એલોટમેન્ટ મેળવ્યું હતું. કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, ઇશ્યૂ પૂર્ણ થયા બાદ 676.2 કરોડ ઇક્વિટી શેર સાથે પ્રમોટર ગ્રૂપનો હિસ્સો માર્ચ 2020ની 48.87 ટકાની સરખામણીએ હવે 49.14 થયો છે.
રૂ. 2.50ની ફેસ વેલ્યૂ સાથેના અંશતઃ ચુકવણી થયેલા શેર સોમવારે શેરબજારમાં નવા ISIN કોડ IN9002A01024 અંતર્ગત લિસ્ટ થશે. ચુકવણી થયેલી આંશિક કિંમત, સંપૂર્ણ ચુકવણી થયેલા શેરના ચોથા ભાગની એટલે કે 25 ટકા છે. આમ, જો એક સંપૂર્ણ ચુકવણી થયેલો શેર રૂ.1600માં ટ્રેડિંગ થઈ રહ્યો હોય તો અંશતઃ ચુકવણી થયેલા શેરની કિંમત રૂ.400 થાય. શેરના ભાવમાં જે વધારો હોય તેને આંશિક ચુકવણી થયેલા શેર ખરીદવા માટે ખરીદનારે ચુકવેલું પ્રીમિયમ ગણાશે.
રાઇટ્સ ઇક્વિટી શેર્સ આંશિક ચુકવણી બાદ જારી કરાયા છે અને એપ્લિકેશન સમયે રૂ.314.25 પ્રતિ શેરની ચુકવણી કરવામાં આવી છે (જેમાં રાઇટ્સ ઇક્વિટી શેરની ફેસ વેલ્યૂ રૂ.2.50 છે અને રૂ.311.75 રાઇટ્સ ઇક્વિટી શેરની પ્રીમિયમ અમાઉન્ટ છે). આંશિક ચુકવણી બાદ પ્રતિ શેર બાકી રહેતી કિંમત આગામી નાણાકીય વર્ષમાં ચુકવવાની રહેશે.