લોકડાઉનના પગલે માત્ર દેશના નાગરિકો જ 2 મહિના સુધી ફસાઈ ગયા નહોતા પણ વિદેશી નાગરિકો પણ ફસાઈ ગયાનું હવે બહાર આવ્યું છે. આફ્રિકન દેશ ઘાનાનો ફૂટબોલ પ્લેયર જુઆન મુલર લોકડાઉનના પગલે 74 દિવસ સુધી મુંબઈ એરપોર્ટ પર જ ફસાઈ ગયો હતો. આ મામલાની જાણ હવે મહારાષ્ટ્ર સરકારને થતા આ પ્લેયર માટે વ્યવસ્થા કરાઈ છે. ફૂટબોલ પ્લેયર જુઆન મુલરને હવે મહારાષ્ટ્ર સરકારે હોટલમાં રહેવાની સગવડ કરી આપી છે. લોકડાઉન પહેલા મુલર કેરાલાની એક ક્લબ માટે ફૂટબોલ રમવા ભારત આવ્યો હતો. તેને કેન્યા એરવેઝના વિમાનથી પોતાના દેશ પાછા જવાનુ હતુ પણ તે જ વખતે એકાએક લોકડાઉન લાગુ થતા તે મુંબઈ એરપોર્ટ પર જ ફસાઈ ગયો હતો. મુલરનુ કહેવુ છે કે, એરપોર્ટની અંદર બનાવાયેલા ગાર્ડનમાં મારો સમય પસાર થતો હતો. અહીંના કોઈ સ્ટોલ પર ભોજન કરતો હતો અને એરપોર્ટના કર્મચારીઓ સાથે વાત કરીને બાકીનો ટાઈમ પસાર કરતો હતો. એરપોર્ટના કર્મચારીઓએ મારી બહુ મદદ કરી હતી. આખી ઘટનાની તમામ વિગતે એક ટવીટર યુઝરે ટવીટર પર મુકતા મામલો પ્રકાશમાં આવ્યો છે.