રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર થઈ જતા ફરી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આવા સમયે એનસીપી સુપ્રિમો શરદ પવારે શંકરસિંહ વાઘેલા પાસેથી ગુજરાત એનસીપીનું પ્રમુખપદ લઈ લીધુ છે અને જયંતિ બોસ્કીને ગુજરાત એનસીપીની ફરી જવાબદારી સોંપાઈ છે. પણ શંકરસિંહ વાઘેલા પાસે એનસીપીના જનરલ સેક્રેટરીની જવાબદારી યથાવત રખાઈ છે. આ પગલાથી નારાજ શંકરસિંહ વાઘેલાએ ટવીટર પરથી તરત જ એનસીપી નેતા તરીકેની ઓળખ દૂર કરી દીધી છે. તાજેતરમાં બાપુ એકાએક આક્રમક બનીને સરકાર પર પ્રહારો કરી રહ્યાં હતા અને કોરોનાને લઈને સિવિલ હોસ્પિટલની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી હતી. વિપક્ષની સાથે સાથે બાપુ પણ મેદાનમાં આવતા ફરી રાજકારણમાં આક્ષેપનુ યુધ્ધ શરુ થઈ ગયું હતુ પણ શંકરસિંહ વાઘેલાને પ્રમુખ પદેથી હટાવતા અનેક ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં શંકરસિંહ વાઘેલા શું નિર્ણય લેશે તેના પર રાજકીય પંડિતો નજર જમાવીને બેઠાં છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી 19મી જૂને યોજાનાર છે.આ ચૂંટણીમાં એનસીપી અને બીટીપીના ધારાસભ્યોનુ વલણ મહત્વની ભૂમિકા ભજવશે.