શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લામાં કોરોના સંદર્ભે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા જણાવ્યું હતું કેઆ રોગની કોઈ દવા નથી ત્યારે સાવચેતી અને સલામતી એ સૌથી પહેલી જરૂરિયાત છે. સાથે સાથે ગ્રામ્ય પ્રજામાં ક્યાંક
જાણકારીના અભાવે અને ક્યાંક બેદરકારીના કારણે લોકો રોગના ભોગ બનતા હોય છે ત્યારે જિલ્લા પ્રશાસને ખૂબ સક્રિય પણે કોરોનાનું સંક્રમણ અટકાવવા પ્રશંસનીય કામગીરી કરી છે. મંત્રીશ્રીએ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની જાણકારી મેળવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંત્રીશ્રીને લોકડાઉન-1 થી અનલોક-1 દરમિયાન થયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. બેઠકમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્રએ લોકાભિમુખ બનીને નાગરિકોની તમામ મુશ્કેલીઓનો
હલ લાવવા પ્રયત્ન કર્યા છે. પાથરણાવાળાથી લઈને ઉદ્યોગપતિ સુધી તમામને મદદ કરાઇ છે.
શિક્ષણમંત્રીશ્રીએ સાણંદ,દસ્ક્રોઈ, ધોળકા સહિત તમામ તાલુકામાં સેનિટાઇઝેશન અને અન્ય પ્રિવેન્ટિવ કામગીરી જાળવી રાખવા તથા સામૂહિક જાગૃતિ પ્રેરક કાર્યક્રમો કરવા સૂચન કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને સેનિટાઇઝેશન વિશે લોકો સજાગ બને તે બાબતે મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.