સિવિલ સહિત 4 હોસ્પિ.માં મેડિકલ સ્ટાફની 3,469 જગ્યાઓ ખાલી

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં સૌથી મહત્વપુર્ણ આંકડા બહાર આવ્યાં છે અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં કુલ મળીને મંજૂર મહેકમ 10,356 સામે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની 3,469 જેટલી જગ્યાઓ ખાલી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલા લેખિત પ્રશ્નમાં ખુલાસો થયો છે. તેમજ જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2020 એટલે કે એક વર્ષમાં કોરોના સિવાયના અન્ય 65, 253 મૃત્યુ નોંધાયા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલના મંજૂર મહેકમ અને તે પૈકી ભરાયેલી જગ્યાઓ અંગે સવાલ કર્યો હતો. જેના લેખિત ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 4,585ના મંજૂર મહેકમ સામે 575 જગ્યા ખાલી છે. તેમાંની 467 જગ્યાઓ તો એક વર્ષ કરતા પણ વધુ સમયથી ખાલી છે.

યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં 2,442 જગ્યાઓ ખાલી
જ્યારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં 444ના મંજૂર મહેકમ સામે 100 જેટલી જગ્યાઓ ખાલી છે અને તે પૈકી 29 જગ્યાઓ એક વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડેલી છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 1108ના મંજૂર મહેકમ સામે 166 જેટલી જગ્યાઓ ખાલી છે અને તે પૈકી 139 જગ્યાઓ એક વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડેલી છે. યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે 4,399ના મંજૂર મહેકમ સામે 2628 જેટલી જગ્યાઓ ખાલી છે અને તે પૈકી 2442 જગ્યાઓ એક વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડેલી છે. આમ આ ચારેય હોસ્પિટલમાં મંજૂર મહેકમ 10,356 સામે 3,469 જેટલી જગ્યાઓ ખાલી છે. કોરોના મહામારીના સમયમાં પણ એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 33 ટકા કરતા વધુ જગ્યાઓ ખાલી છે. હાર્ટ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓમાં સરકારી હોસ્પિટલોમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અછતને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં જ ડોક્ટરોની અછત હોય ત્યારે સમગ્ર રાજ્યમાંથી આવતા દર્દીઓને પરેશાન થવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *