મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એપ્રેન્ટિસશીપ યોજના, યુવા સ્વાવલંબન યોજના અને શોઘ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે. છેલ્લા ૪ વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે, ૫૪૦૦ જેટલા ભરતી મેળા ધ્વારા પ્રાઈવેટ સેક્ટરમાં ૧ર લાખથી વધુ નોકરીઓ આપી છે. હજારો યુવાનોને વ્યવસાય કરવા માટે લોન આપીને તેમને જોબ સિકર નહિ પરંતુ જોબ ગિવર બનાવ્યા છે. ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો ૩% છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ ૪૦ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ થઇ છે. મુખ્યમંત્રીશ્રીએ ૨૫,૦૦૦થી વધુ યુવા-વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવ્યા હતા. ભલે દોઢસો વર્ષ વીતી ગયાં હોય પરંતુ આજે પણ સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડલ છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સતત નવું વિચારવા અને સતત નવું કરતા રહેવાની પ્રેરણા આપતા કહ્યું કે, જો ક્યારેક ક્ષણિક નિષ્ફળતા મળે તો સ્વામી વિવેકાનંદજીના સંદેશાને અનુસરો.