સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.આ કેસની તપાસ હવે યશ રાજ ફિલ્મ સુધી પહોચી છે . શનિવારે મુંબઈ પોલીસને યશરાજ ફિલ્મનાં કોન્ટ્રાકટની કોપી મળી છે જે આધારે હાલ નવી તપાસ શરુ કરી દેવાઈ છે. આ પહેલા મુંબઈ પોલીસે તેની મિત્ર રિયા ચક્રવર્તીની 11 કલાક સુધી પુછપરછ કરી હતી જેમાં ઘણી બધી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ડીસીપી અભિષેક ત્રિમુખેના મતે ઈન્વેસ્ટિગેશન ઓફિસરને સુશાંત સિંહ રાજપૂતને ત્યાંથી વાયઆરએફ સાથે કરાર કર્યો હોવાના અભિનેતાના હસ્તાક્ષર સાથેના કાગળો મળ્યા હતા. સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં તેની નજીકની મિત્ર રિયા ચક્રવર્તી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા સહિત 15 લોકોના નિવેદનો નોંધ્યા છે. તેમણે આપેલી વિગતોને આધારે હાલમાં તપાસ ચાલી રહી છે. બે દિવસ પહેલા પોલીસ સમક્ષ રિયા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, સુશાંતે યશ રાજ ફિલ્મ્સ સાથેના કરારનો અંત લાવ્યો હતો અને તેને પણ આવું કરવા જણાવ્યું હતું. સુશાંતે અગાઉ 2013માં મનીષ શર્માના નિર્દેશનની આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સ અને 2015માં ડિરેક્ટર દિબાકર બેનરજીની ફિલ્મ ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીમાં કામ કર્યું હતું.આ બેનરની તેની ત્રીજી ફિલ્મ પાની હોવાનું ચર્ચાતું હતું જેને શેખર કપૂર ડિરેક્ટ કરવાના હતા. જો કે આ ફિલ્મમાંથી યશ રાજ ફિલ્મ્સ ખસી જતા પ્રોજેક્ટ અભેરાઈએ ચઢી ગયો હતો.