કેરળના મલપ્પુરમાં ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડયાં છે. રાજકારણથી માંડી ઉદ્યોગ અને રમત ગમત જગતના લોકો પણ ભારે રોષે ભરાયા છે. હાથણીના મોત અંગે વન તથા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, આ ક્રુરતા છે, ભારતીય સંસ્કૃતિમાં આવું ન થઈ શકે. આરોપીઓને પકડવા માટે અમે સીનિયર અધિકારીઓને તહેનાત કર્યા છે. આરોપીઓને સજા જરુર અપાશે. મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીને કોઈ વિકૃતે ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધું હતું.જેનાથી હાથણનું મોં ફાટી ગયું અને તેનું મોત થઈ ગયું હતું. ભાજપ સાંસદ મેનકા ગાંધીએ કહ્યું કે, હાથણીની હત્યા કરાઈ છે કેરળના આ વિસ્તારમાં દર ત્રણમાંથી એક હાથીનું મોત થાય છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ આ ઘટના અંગે ટવીટ કર્યુ છે અને તેમણે આ ઘટનાને હત્યા ગણાવી ન્યાયની માંગ કરી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાથણી અને તેના પેટમાં એક બાળકનો કાર્ટૂન ફોટો શેર કર્યો છે. તેણે કહ્યું, ‘કેરળની ઘટના વિશે સાંભળીને ખૂબ નિરાશ અને આશ્ચર્યચકિત થયો છું. હું પ્રાણીઓ સાથે પ્રેમ અને તેમનું ધ્યાન રાખવાની અપીલ કરું છું. આવી કાયરતા ભરેલી હરકતો બંધ થાય.”