અમદાવાદના મણિનગરમાં આવકાર હોલ પાસેથી કચરાના ઢગલામાં એક મૃત ભ્રૂણને ફેંકી જવાના કેસમાં પોલીસે સઘન તપાસ કરીને મુખ્ય આરોપી ડૉક્ટરની ધરપકડ કરી છે. વધુ તપાસમાં આ ડોકટરે આવા કેટલા ગેરકાયદે ગર્ભપાત કર્યાનીતેની માહીતી ભેગી કરાઈ રહી છે. મણિનગર પોલીસ સીસી ટીવીના આધારે તપાસ કરીને આરોપી સુધી પહોચી હતી. ડોકટરે તેના દવાખાને સગીરાની ડિલિવરી કરી બાળકને વેસ્ટની થેલીમાં પેક કરી ફેંકી દીધું હતું. બનાવની વિગત અનુસાર 7 જુલાઈના રોજ મણિનગર વિસ્તારમાં આવકાર હોલ પાસે એક ભ્રૂણ મળી આવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક ગાડી દેખાઈ હતી. પોલીસ તપાસમાં કાર ડોક્ટર ચેતન શાહની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા ડોકટર ચેતન 29 વર્ષથી કેડિલા ક્રોસિંગ પાસે કેવલ મેડિકેર સેન્ટર નામે દવાખાનું ચલાવે છે અને 6 જુલાઈએ સગીરાને 4-5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને ડિલિવરી કરાવી 15,000 રૂપિયા લીધાં હતાં. બાદમાં બાળકને વેસ્ટ પ્લાસ્ટિકમાં પેક કરી આવકાર હોલ પાસે નાખી દીધું હતું. જશોદાનગરની સગીરાને સુનીલ રમેશભાઈ સરગરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. સુનીલે સગીરાને અલગ અલગ હોટેલમાં લઇ જઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેમાં સગીરા ગર્ભવતી બની હોવાની હકીકત બહાર આવી હતી. આ મામલે પોલીસે સુનીલ સામે પોક્સો હેઠળ ફરિયાદ થઇ છે.