ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતે કારતક દીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે આજે ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની મહત્તા વિશે જણાવતા હરેકૃષ્ણ મંદિર,ભાડજના અધ્યક્ષ સ્વામી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે “જ્યારે સર્વ શક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણએ નિહાળ્યું કે વ્રજવાસીઓ ઈન્દ્રયજ્ઞ કરી રહ્યા છે. ત્યારે ભગવાનશ્રી એ કહ્યું કે તેઓએ ઈન્દ્રની પૂજા છોડી દઈને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. આ વાત જાણીને ઈન્દ્ર ક્રોધીત થાય છે અને વ્રજવાસીઓ પર વિનાશકારી વરસાદ વરસાવે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉંચકી લે છે અને બધા વ્રજવાસીઓને તેની છાયામાં સતત સાત દિવસ સુધી આશ્રય આપે છે.ઈન્દ્ર પોતે કરેલ દુષકૃત્ય પ્રત્યે સભાન થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ ક્ષમા યાચના કરે છે.