કિશોરીનું આઇશર ચાલકે ટક્કર મારતાં મોત, ડ્રાઇવર ફરાર

એસ.જી. હાઈવે ઉપર આવેલી અમદાવાદ જિલ્લા ડીએસપી કચેરી બહારના રોડ પર જ હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વાયએમસીએ કલબ બાજુથી પૂરઝડપે આવી રહેલી આઈશરના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી 12 વર્ષની કિશોરીને કચડી મારી હતી. શુક્રવારે સાંજે ધનતેરસની પૂજા કરવા માટે આ કિશોરી ઘરેથી પૂજાનો સામાન લેવા માટે જઈ રહી હતી. ત્યારે જ આઈશરચાલકે તેને કચડી મારી હતી. એસજી હાઈવે ઉપર બ્લુ લગુન પાર્ટી પ્લોટની પાછળ કાચા છાપરામાં અરવિંદભાઇ નટ(35),પત્ની મુમતાઝ(30), દીકરી ખુશી(12),સુમન(3) અને 2 વર્ષના દીકરા સાથે રહેતા હતા. પિતા અરવિંદભાઇ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે ધનતેરસ હોવાથી ખુશી સાંજે પૂજાનો સામાન લેવા માટે ગઈ હતી. દરમિયાનમાં સાંજે ખુશી અમદાવાદ જિલ્લા ડીએસપી ઓફિસ સામેનો એસજી હાઈવે ક્રોસ કરી રહી હતી. ત્યારે પૂરઝડપે આવેલી આઈશરના ચાલકે ખુશીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. જો કે આ ઘટનાના પગલે લોકો ભેગાં થઇ જતાં આઈશરનો ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. આ અંગે પોલીસે ટ્રક કબજે કરી નાસી છુટેલા આઈશરના ચાલક વિરુધ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *