દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં CBIએ મનીષ સિસોદિયાએ ધરપકડ કરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરી લખ્યું- ‘આ લોકતંત્ર માટે કાળો દિવસ છે.’
તો આપના સાંસદ સંજય સિંહે ટ્વીટ કરી કહ્યું- ‘મનીષ સિસોદિયાની ધરપકડ સરમુખત્યારશાહીની પરાકાષ્ઠા છે. તમે એક સારા માણસ અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રીની ધરપકડ કરીને સારું નથી કર્યું, મોદી, ભગવાન પણ તમને માફ નહીં કરે. એક દિવસ તમારી સરમુખત્યારશાહીનો અંત જરૂર આવશે.’
ગુજરાત આપના નેતાએ પણ કર્યું ટ્વીટ
તો ગુજરાત આપના ઈસુદાન ગઢવીએ પણ ટ્વીટ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા.
હવે કેજરીવાલનો વારો
તો ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે- અંતે શરાબ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ, શરાબથી બરબાદ થયેલા પરિવારોના માતા-બહેનોની હાય લાગી હાય મનિષ સિસોદિયાને, સત્યેન્દ્ર જૈન પછી કેજરીવાલનો વધુ એક ભ્રષ્ટ મંત્રી જેલમાં, હું શરૂઆતથી કહી રહ્યો છું કે કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલ જશે. તેમાં બે લોકો જેલ જઈ ચુક્યા છે. હવે વારો કેજરીવાલનો છે.
સિસોદિયાને ખ્યાલ આવી ગયો હતો કે તેમની ધરપકડ થશે
આ પહેલાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની રવિવારે એક્સાઈઝ નીતિ કૌભાંડમાં CBI તપાસમાં સામેલ થયા. તેઓ સવારે 11.10 વાગ્યે CBI હેડઓફિસ પહોંચ્યા હતા. તપાસમાં સામેલ થતાં પહેલા તેઓ પૂજા કરવા માટે પાર્ટીના અન્ય નેતાઓ, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજની સાથે રાજઘાટ ગયા હતા. આ પહેલાં સિસોદિયાએ હિન્દીમાં ટ્વીટ કર્યું, આજે ફરી CBI હેડક્વાર્ટર જઈ રહ્યો છું, હું તપાસમાં પૂરો સહયોગ આપીશ. લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ અમારી સાથે છીએ. આ ટ્વીટમાં તેમણે કહ્યું, મારે થોડો સમય જેલમાં પણ રહેવું પડે, તેનાથી મને કોઈ જ ફર્ક નથી પડતો. હું દેશ માટે ફાંસીના માંચડે ચઢનાર ભગતસિંહનો અનુયાયી છું. આવા ખોટા આરોપોને લઈને જેલ જવું નાની વાત છે.