દિલ્હીની હિંસામાં ખુલ્લેઆમ હાથમાં રિવોલ્વર લઈને ફાયરિંગ કરનારો શાહરુખ ઝડપાઈ ગયો છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં જાહેરમાં બંદૂક લઈને ફાયરિંગ કરી રહેલા મોહમ્મદ શાહરુખને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે ઉત્તરપ્રદેશના બરેલીમાંથી ઝડપી પાડયો છે. હિંસાના દિવસે શાહરુખનો વીડીયો મોટાપાયે વાઈરલ થયો હતો. શાહરુખે 24 ફેબ્રુઆરીએ જાફરાબાદમાં પોલીસ જવાન પર પિસ્તોલ તાકી હતી અને 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હિંસા બાદ શાહરુખ છેલ્લા 8 દિવસોથી ફરાર હતો. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને શાહરુખને બરેલીમાં છુપાયો હોવાની બાતમી મળતાં દિલ્હી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમ તેની ધરપકડમાં લાગી ગઈ હતી.બાદમાં બરેલીમાં તેને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું કે શાહરુખ ફાયરિંગ બાદ પાણીપત, કૈરાના, અમરોહા જેવા અલગ અલગ શહેરોમાં સંતાતો રહેતો હતો.