હાલમાં લોકડાઉનના કારણે વિવિધ જિલ્લાઓના ગામોના કારીગરો તેમજ રાજસ્થાન-મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવીને ગુજરાતમાંના વિવિધ એકમોમાં કામ કરતા શ્રમજીવીઓ હાલ પગપાળા પોતાના વતન જઇ રહ્યાં છે. દેશમાં 21 દિવસના લોક ડાઉનની સ્થિતિમાં હવે પરપ્રાંતીય લોકોએ સ્થળાંતર શરુ કર્યું છે જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રમિકોને અપિલ કરી છે કે, હાલની સ્થિતિમાં તેઓ પગપાળા પોતાના ગામ કે વતન જવા નીકળી ન જાય સરકાર તેમની ચિંંતા કરી રહી છે અને તમામ વ્યવસ્થા કરશે. પગપાળા જતા શ્રમિકોને અપિલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, આ કોરોના વાયરસથી બચવાના ભીડભાડ ટાળવી જોઈએ. ટોળામાં ક્યાંય પણ ન નીકળવું કે ઘરની બહાર ન નીકળતા જ્યાં છીએ ત્યાં જ રહેવું હિતાવહ અને સલામત છે. મુખ્યમંત્રીએ આવા શ્રમજીવીઓ-કારીગરોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, લોક ડાઉનની આ સ્થિતિમાં તેમના ખાવા-પીવાની તથા અન્ય જીવન જરૂરિયાતોની વ્યવસ્થાની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. રાજય સરકારના ધ્યાનમાં આવતા તેમણે પણ એકશન પ્લાન અમલમાં મુકી દીધા છે. સરકારે રાજ્યના ઇન્ડસ્ટ્રિયલ એસોશિએશન, બિલ્ડર્સ એસોશિએશન તથા વેપારી મંડળોને અનુરોધ કર્યો છે કે તેઓ પોતાને ત્યા કામ કરતા આવા શ્રમયોગી કારીગરો માટે રહેવાની તથા ખાવા-પીવાની વ્યવસ્થાઓ સુનિશ્વિત કરે જેથી તેમણે આ સ્થિતિમાં પોતાના વતન કે ગામ જવું ન પડે.