હાલમાં રાજયમાં વર્ષ 2019-20 નું શૈક્ષણિક સત્ર પુરુ થવાના આરે છે અને ધો. 10 અને ધો.12ની વાર્ષિક પરીક્ષાઓની તૈયારી શરુ થઈ ગઈ છે ત્યારે આગામી વર્ષનુ કેલેન્ડર સરકારે બહાર પાડયુ છે જેમાં વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે શૈક્ષણિક વર્ષ 2020-21ના સત્રમાં 20 એપ્રિલથી પ્રથમ સત્ર શરૂ થશે. બાદમાં 4 મેથી વિદ્યાર્થીઓને ઉનાળું વેકેશન મળશે. જે 7 જૂન સુધી રહેશે. આમ વિદ્યાર્થીઓને ઉનાળાનું સરેરાશ 35 દિવસનું વેકેશન મળી રહેશે. જયારે 8 જૂનથી પ્રથમ સત્રનો પુન: પ્રારંભ થઈને સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રથમ સત્ર 174 દિવસનું હશે જેમાંથી જાહેર રજા, રવિવાર, વેકેશન મળી કુલ 61 રજાઓ હોવાથી 113 દિવસો સ્કૂલ ચાલુ રહેશે. 1 ઓક્ટોબરથી પ્રથમ સત્રાંત પરીક્ષા શરુ થઈ જશે. અત્યાર સુધી અલગ અલગ સ્કુલોમાં એક જ ધોરણ અને એક જ અભ્યાસક્રમ હોવા છતાંય પરીક્ષાઓની તારીખ ને વેકેશનમાં મોટો ગેપ જોવા મળતો હતો જેને ધ્યાનમાં લઈને રાજય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી વ્યવસ્થા કરી છે.