રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે બપોરના સમયે ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થાય છે. બીજી તરફ છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં કમસોમી વરસાદ પડી રહ્યો છે. હજુ ફરી એક વાર હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં માવઠાની પ્રબળ શક્યતાઓ છે. ગીર પથંકના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા છે. જેથી ઘઉં, જીરૂ અને બાજરી સહિતના પાકોમાં નુકસાનીની ભીંતિ સેવાઇ રહી છે. જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો છે. વરસાદ થાય તો આંબાનો મોર અને મગીયો ખરી જવાની સંભાવના છે. અને કેસર કેરી માર્કેટમાં ઓછ આવી શકે છે. થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે બાગાયતી પાકો અને અનાજમાં ઘણું નુકસાન થયું હતું.