ગુજરાત યુનિવર્સિટીની સ્ટુડન્ટ સેનેટ કોર્ટ અને સ્ટુડન્ટ વેલ્ફેર બોર્ડમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ માટેની ચૂંટણીમાં આખરે એનએસયુઆઈનો ભવ્ય વિજય થયો છે અને એબીવીપીની કારમી હાર થાય છે.
વિદ્યાર્થી સેનેટની 10માંથી 8 બેઠકો ઉપર થયેલા જંગમાં 6 બેઠકો પર એનએસયુઆઈએ જીત મેળવી છે અને માત્ર બે બેઠકો જ એબીવીપીના ફાળે ગઈ છે જ્યારે સ્ટુડન્ટ વેલ્ફેરની 14 બેઠકોમાંથી 9 બેઠકો એનએસયુઆઈએ જીતી છે અને માત્ર પાંચ બેઠકો પર એબીવીપીની જીત થઈ છે .ગુજરાત યુનિ.ની સ્ટુડન્ટ-વેલ્ફેરની કુલ 22 બેઠકો માટે મતદાન થયુ હતુ.જેમાં સેનેટની 8 બેઠકો સામે 39 અને વેલ્ફેરની 14 (10 શહેર-4 ગ્રામ્ય) બેઠકો માટે 30 ઉમેદવારો હતા.સેનેટમાં 2700 કુલ વોટમાંથી 2000થી વધુ મત પડયા હતા અને વેલ્ફેરમાં 1408માંથી 1102 વોટ પડયા હતા. શરૂઆતના બે કલાકમાં જ સેનેટમાં કાઉન્ટિંગ થઈ જતા અને એક સાથે એનએસયુઆઈએ 6 બેઠકો પર વિજય મેળવી લેતા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિજયોત્સવ શરુ થઈ ગયો હતો. સમગ્ર દિવસની મતગણતરીમાં અનેક વાર એબીવીપી-એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે નાની-મોટી બોલાચાલી સાથે અને સામસામે સૂત્રોચ્ચાર સાથે મામલો ગરમાયો હતો પરંતુ પોલીસને લીધે મોટી મારામારીની ઘટના બનતા રહી ગઈ હતી.જો કે સામાન્ય લાઠીચાર્જ થયો હતો. મહત્વનું છે કે વેલ્ફેર ચૂંટણી ત્રણ વર્ષે થતી હોઈ 2014માં છેલ્લે વેલ્ફેર ચૂંટણી થઈ હતી અને જેમાં પણ એનએસયુઆઈએ નવ બેઠક મેળવી હતી અને એબીવીપીએ પાંચ બેઠક મેળવી હતી જ્યારે 2014ની સેનેટમાં પણ એનએસયુઆઈએ 6 બેઠકો મેળવી હતી અને એબીવીપીએ બે બેઠક મેળવી હતી.આમ 2014નું પુનરાવર્તન 2020માં થયુ છે.