ભારતના ૨૦૪૭ અમૃતકાળનો રોડમેપ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કંડારતું કેન્દ્રીય બજેટ-ર૦૨૩:-મુખ્યમંત્રીશ્રી

દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિતના હિતોને ધ્યાનમાં રાખીને આ બજેટ શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં તૈયાર થયું છે.

બજેટમાં ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ગીફ્ટ સિટી- IFSCA માટે લાભદાયી જોગવાઇઓ માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ:૨૦૨૩-૨૪ને આવકાર્યું: વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો, નાણાંમંત્રીશ્રીને પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી શ્રી નિર્મલા સિતારામને રજૂ કરેલા વર્ષ ર૦ર૩-ર૪ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ર૦૪૭ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. 

    મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે. 

    તેમણે જણાવ્યું છે કે, દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો વડાપ્રધાનશ્રીની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે. 

    શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. 

    મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે. 

    મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સલાહકાર શ્રી ડૉ. અઢિયા તેમજ સલાહકારશ્રી રાઠૌર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો સાથે નિહાળ્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *