વરુણ વર્તમાન સિઝનમાં 10 મેચમાં 7.05ની ઈકોનોમીથી 12 વિકેટ લઈ ચૂક્યો છે. કર્ણાટકનો વરુણ આર્કિટેક્ટ પણ છે. આઈપીએલમાં તેની એન્ટ્રી મિસ્ટ્રી બોલિંગના કારણે થઈ હતી. વરુણ દાવો કરી ચૂક્યો છે કે, તે સાત પ્રકાર- ઓફ બ્રેક, લેગબ્રેક, ગૂગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, પગની આંગળીઓ પર યોર્કર બોલ ફેંકી શકે છે. સ્ટાર ખેલાડી વરુણે 2018માં તમિલનાડુ પ્રીમિયર લીગમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની ટીમ મદુરઈ પેન્થર્સને પ્રથમ વખત ટાઈટલ અપાવ્યું હતું. તેણે ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સના ખેલાડીઓને નેટ્સ પર બોલિંગ કરી હતી. આ વર્ષે વરુણે વિજય હજારે ટ્રોફીમાં 9 મેચમાં 22 વિકેટ લીધી હતી. વર્ષ 2018માં કિંગ્સ ઈલેવન પંજાબે તેને 8.4 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે તેની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ હતી. 2020 માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી હરાજીમાં વરુણને કોલકાતાએ રૂ. 4 કરોડમાં ખરીદ્યો હતો. વરુણ કોલકાતા ટીમમાં સામેલ થતા પહેલા દિનેશ કાર્તિક પાસે વિકેટકીપિંગની ટિપ્સ લઈ ચૂક્યો છે. વરુણે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 17 વર્ષ સુધી કે વિકેટકીપર બેટ્સમેન હતો. તેણે ચેન્નઈની એસઆરએમ યુનિવર્સિટીમાંથી 5 વર્ષનો આર્કિટેક્ચર કોર્સ કર્યો છે.