અમદાવાદમાં IT વિભાગની ટીમ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરને ત્યાં રેડ કરવામાં આવી છે. IT વિભાગે અંદાજે 27 જગ્યા પર રેડ કરી છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા છે.આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગે પોપ્યુલર ગ્રુપના ત્રણ ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા છે. જેના પર હાલ તપાસ ચાલી રહી છે. જો કે આ ત્રણ ખાનગી એડ્રેસ અંગે આવકવેરા વિભાગ મૌન સેવી રહ્યું છે. પોપ્યુલર ગ્રુપના 14 બેન્ક લોકર અને કોમ્પ્યુટર અને લેપટોપમાં રહેલો ડેટા સીલ કરવામાં આવ્યો છે. રેડના સમાચાર ફેલાતાં અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર આઈટી અધિકારીઓએ PPE કિટ પહેરીને રેડ કરી હતી. કોરોનાની મહામારીને કારણે આવકવેરા વિભાગના અધિકારીઓએ પોતાની સલામતી દાખવી હતી આ અધિકારીઓએ PPE કીટ પહેરીને અમદાવાદના જાણીતા બિલ્ડર પોપ્યુલર ગ્રુપના 27 સ્થળે દરોડા પાડ્યા હતા.
રમણ પટેલ સાથે કનેક્શન ધરાવતા ત્રણ મોટા માથાને ત્યાં પણ તપાસ
પોપ્યુલર ગ્રુપના કુલ 27 સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં રોકડ અને ઝવેરાતની શોધખોળ ચાલી રહી છે. આ તપાસના અંતે કરોડોની બિનહિસાબી આવક મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોપ્યુલર ગ્રુપ સાથે કનેકશન ધરાવનાર ત્રણ મોટા માથા એવા લક્ષ્મણ વેકરીયા,અંકિત પ્રજાપતિ અને પરસોતમ પંડ્યાને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ભરત પટેલની માલિકીના ખાનગી એડ્રેસ ઉપર ડોક્યુમેન્ટનો ઢગલો મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપ બાદ દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સવારે 5:30 વાગ્યાથી IT વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ છે. શહેરમાં ઘણા સમય બાદ ફરી IT વિભાગે બિલ્ડોરોને ઝપેટમાં લીધા છે. આઈટી વિભાગ તેમજ પોલીસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશનમાં અંદાજે 25 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદનું પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું.