જામનગરમાં દિપક સિનેમા વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલું વાહન ડિટેઇન કરતી વખતે ટ્રાફિક વિભાગના પોલીસ જમાદાર અને સ્કુટર ચાલક દંપતી વચ્ચે ઝઘડો થયા પછી મામલો ઝપાઝપીમાં પરિણમ્યો હતો અને બંને પક્ષે હુમલા થયા હતા. જે સમગ્ર ઘટના આસપાસમાં એકત્ર થયેલા લોકોએ મોબાઇલમાં વીડિયો બનાવીને વાયરલ કરી દેતાં ભારે ધમાચકડી મચી હતી. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિપક સિનેમા વિસ્તારમાં બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં એક સ્કૂટર ચાલકે પોતાનું સ્કૂટર આડેઘડ પાર્ક કર્યું હોવાથી ટ્રાફિક શાખાની ટુકડી ટોઇંગ વાહન સાથે આવી પહોંચી હતી, અને સ્કૂટર ડીટેઇન કર્યું હતું. જે સમયે સ્કુટર ચાલક દંપતી ત્યાં આવી પહોંચ્યું હતું અને ટ્રાફિક શાખાના જમાદાર સાથે જીભાજોડી કરી હતી. જેમાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને ટ્રાફિક જમાદારે સ્કૂટર ચાલકનો કાંઠલો પકડી લેતાં ઉશ્કેરાયેલા દંપતીએ ટ્રાફિક જમાદારને ફડાકા વાળી કરી હતી. જ્યારે પ્રતિકારના ભાગરૂપે ટ્રાફિક જમાદારએ પણ ઝપાઝપી કરી લીધી હતી. આ ઘટના સમયે લોકોનું ટોળું એકત્ર થયું હતું અને કેટલાક લોકોએ સમગ્ર બનાવવાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આખરે મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ હતી.