જમ્મુ-કાશ્મીરમાં ખીણ સહિત અનેક વિસ્તારોમાં સિઝનની પહેલી હિમવર્ષા થવાથી પર્યટકોના ચહેરા ખીલી ઊઠ્યા હતા. ગત અઠવાડિયે ત્રણ દિવસ સુધી ક્યાંક હળવી તો ક્યાંક ભારે હિમવર્ષા થઈ. તેનાથી ખીણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો અને રાત્રે તાપમાન શૂન્યથી નીચે માઈનસમાં ગગડી ગયું. એવામાં કાશ્મીરીઓએ પરંપરાગત કાંગડી બાળવા અને ફેરન પહેરવાની શરૂઆત કરી દીધી. કાંગડી તાપણું કરવાનું એક વાસણ છે જેને ફેરનની અંદર મુકાય છે. કાશ્મીરમાં શિયાળા દરમિયાન સતત વીજળીમાં કાપ મુકાય છે. એવામાં કાંગડી ખુદને ગરમ રાખવા લોકો માટે સૌથી સસ્તી અને પ્રભાવી રીત છે. આ દરમિયાન આજે માઉન્ટ આબુનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. આગામી બે-ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. દિલ્હીમાં શુક્રવારે આ ઋતુનું સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. સફદરગંજમાં ન્યૂનતમ તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે ગત 14 વર્ષોમાં નવેમ્બરમાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે.