રાજકોટમાં રહેતી અને ગોંડલમાં પરણાવેલી પરિણીતા અમીષાએ મુન્ના નામના પ્રેમીને પામવા માટે પોતાના પાંચ વર્ષના બાળકને ઝેરી ટીકડાં ખવડાવી મોતને ઘાટ ઉતારી દઇ લાશને ગોંડલ નજીક ખાડો ખોદી દાટી દીધી હતી. રાજકોટ આજી ડેમ પોલીસમથકના સ્ટાફે બાળકની લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. કોઇ અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી અને અમીષાએ તેના પાંચ વર્ષના પુત્રની પ્રેમી માટે હત્યા કરી હોવાનું અને લાશને ગોંડલ પાસે દાટી દીધાનો ઉલ્લેખ કર્યો હતો. ગોંડલ પોલીસે નનામી અરજી સંદર્ભે અમીષા અને મુન્ના સહિતના શખ્સોની પૂછપરછ કરતા નનામી અરજીમાં કરાયેલી વિગતો સાચી સાબિત થઇ હતી. મળતી માહીતી અનુસાર રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં રહેતી અમીષા નામની યુવતીના ગોંડલમાં રહેતા હિતેષ કોળી સાથે લગ્ન થયા હતા. ફેબ્રુઆરીમાં અમીષા પિયર રાજકોટ માંડાડુંગર આવ્યા બાદ મુન્નાને મળતી હતી, પરંતુ પોતાનો જ પાંચ વર્ષનો પુત્ર પ્રેમસંબંધમાં આડખીલીરૂપ થતો હોય અમીષા અને તેના પ્રેમી મુન્નાએ પાંચ વર્ષના બાળકનો કાંટો કાઢી નાખવાની યોજના બનાવી હતી.