અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ ૧૫૦૦ વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે. યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહેછે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં માણસો આવે છે. હિન્દુ ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાયમાં વિશેષ મહિમા ધરાવતા ભગવાન શામળાજી મંદિરનું નિર્માણ બ્રહ્માજીનાં હજારો વર્ષના તપ બાદ મહાદેવજીની પ્રસન્નતા અને આજ્ઞાથી થયું હોવાનું મનાય છે. મંદિરના શિખર ઉપર ધોળી ધજા હોવાથી શામળાજીને ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખાવાય છે.
ઐતિહાસિક માહાત્મ્યઃ
હિન્દુ ધર્મના અઢારેય પુરાણોની વાતો અને મહિમાનું વર્ણન કરતી પ્રતિમાઓના બાહ્ય દીવાલો પર દર્શાવતા શામળાજી મંદિરનું નિર્માણ ઈસ 94થી 102ની સાલમાં કરાયાનું મનાય છે.
મંદિરની બહારની દીવાલો પર મહાભારત અને રામાયણના પ્રસંગોને પણ વર્ણવતી પ્રતિમાઓ કંડારાઈ છે. જો કે, ઈસ 1762માં નજીકના ટીંટોઈના ઠાકોરજી દ્વારા આ મંદિરનું સમારકામ કરાવાયું હતું અને મંદિરના પ્રવેશદ્વાર પર લગાવાયેલા તામ્રપત્ર પણ તેનો ઉલ્લેખ કરાયો છે.ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મંદિરમાં મુખ્ય રીતે બિરાજમાન છે અને તે સ્વરૂપની પરિકલ્પના ખુદ બ્રહ્માજીએ એક હજાર વર્ષ સુધી અહીં કરેલા તપ દરમિયાન કરી હોવાનું મનાય છે જે સ્વરૂપને શિવજીના આશીર્વાદથી સાકાર કરાયું હતું. આ મંદિરની ઉપર ધોળી ધજા ફરકે છે અને આ કારણે જ અહીં બિરાજતા ભગવાનને શામળિયા શેઠ ઉપરાંત ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે કારતક સુદ પૂનમે શામળાજીનો મેળો ભરાય છે, જે નજીક વસવાટ કરતા આદિવાસી સમુદાયના લોકો માટે વિશેષ મહિમા ધરાવે છે.