ગુજરાતનુ ગૌરવ સોમનાથ મંદિરનો ઇતિહાસ અનેરો છે અને રોચક છે. સોમનાથ મદિર અનેક વાર બન્યું, અનેક વાર તૂટ્યું. ભારતની આઝાદી વખતે આ મંદિર અત્યંત બિસ્માર અને જીર્ણ દશામાં હતું. એ વખતે તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે અરબી સમુદ્રની અંજલિ લઈને મંદિરના ભવ્ય જિર્ણોદ્ધારની પ્રતિજ્ઞા લીધી. આજે અસ્તિત્વમાં છે એ મંદિર સરદાર પટેલ, ક.મા.મુનશી, ઉછરંગરાય ઢેબર વગેરેના પ્રયત્નોને લીધે આકાર પામ્યું છે. વૈશાખ સુદ પાંચમ, ઈસ. ૧૯૫૧ના દિવસે ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે આ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ઐતિહાસિક માહાત્મ્યઃ રીતે જોઈએ તો અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાંથી નીકળેલા મહંમદે રસ્તામાં આવતાં તમામ હિન્દુ શાસકોને હરાવીને સોમનાથનું મંદિર તોડવામાં, લૂંટવામાં અનેકવાર સફળતા મેળવી હતી. ગઝનીના આ આક્રમણોને લીધે સમગ્ર ભારતમાં હિન્દુઓની ચેતના હણાઈ ગઈ હતી અને હિન્દુ રાજાઓનો કુસંપ ખુલ્લો પડી ગયો હતો, જે કાળક્રમે વધુ તીવ્ર આક્રમણો અને છેવટે મુસ્લિમોના ભારત પરના કાયમી શાસનનું કારણ બન્યું. સોમનાથ મંદિર હમીરજી ગોહિલના વીરત્વની બીજી ઐતિહાસિક ઓળખ પણ ધરાવે છે. ગઝનીના આક્રમણ વખતે સોમનાથ મહાદેવની રક્ષા કરવા પાટણના રાજા ભીમદેવ સોલંકીના વડપણ હેઠળ ઉતરેલા સૈન્યમાં લાઠીના હમીરજી ગોહિલ નામના મોડબંધ યુવાન પણ હતા. જેમણે લગ્ન થયા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું.
ધાર્મિક માહાત્મ્ય: દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે શિરમોર સોમનાથ મહાદેવના મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી. પૂરાણકથા મુજબ, દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી. રોહિણી પ્રત્યેના ચંદ્રના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. એ શ્રાપમાંથી મુક્ત થવા અગત્સ્ય ઋષિએ ચંદ્રને ધરતીના એવા છેડા પર શિવ આરાધના કરવા સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવું એકમાત્ર સ્થળ છે.એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ. ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. હજારો વર્ષથી એ હિન્દુ ધર્મની પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે.
આદ્ય શંકરાચાર્યે દેશભરના પ્રસિદ્ધ શિવમંદિરો પૈકી બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ 12 મુખ્ય જ્યોતિર્લિંગની ઓળખ કરી ત્યારે તેમાં સોમનાથને મુખ્ય ગણાવ્યું છે. સ્કંદ પુરાણમાં પણ સોમનાથ મંદિરે થયેલી શિવ આરાધનાને મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ ગણાવી હોવાથી આ સ્થાનનું ધાર્મિક મહત્વ અદકેરું મનાય છે.