સુરતના લાલ દરવાજા ડોક્ટર હાઉસ ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. એસીમાં શોર્ટ સર્કિટ થતા લાગેલી આગને કારણે 10 દર્દીઓ ના જીવ જોખમમાં મુકાયા હતા. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં કામ કરીને આ તમામ દર્દીઓ ના જીવ બચાવ્યા હતા. આગ લાગતાની સાથે જ પાલિકાએ બ્રિગેડ કોલ જાહેર કરી દીધો હતો જેને કારણે સંખ્યાબંધ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરતના લાલ દરવાજા ખાતે આવેલી આયુષ હોસ્પિટલના પાંચમા માળે કોવિડના વોર્ડમાં મોડીરાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને તાત્કાલિક કરી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાને કારણે બ્રિગેડ કોલ જાહેર કરી દેવાયો હતો જેના કારણે 15થી વધુ ફાયર ફાઈટર અને 15થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગની ટીમે કોવીડના વોર્ડમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા ત્રણ અને અન્ય સારવાર લઈ રહેલા આ દર્દીઓને સહી-સલામત બહાર કાઢ્યા હતા. સલામત રીતે બહાર કઢાયેલા આ દર્દીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા.