આત્મનિર્ભર ગામડાં આત્મનિર્ભર ભારત તરફ દોરી જશેઃ શ્રી જી.કે.રેડ્ડી
સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓને પ્રોત્સાહન આપવા, યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે સશક્ત બનાવવા માટે; મહિલાઓને અને લાભવંચિત સમુદાયોને રોજગારી આપવા પ્રવાસન એક ચેનલ પૂરી પાડે છે: શ્રી જી. કે. રેડ્ડી
મુખ્ય વિશેષતાઓ :
આવતીકાલે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં પ્રવાસન, સંસ્કૃતિ અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે
પ્રવાસ અને પર્યટનને માત્ર શોધ અને આનંદનાં માધ્યમ તરીકે જ ન જોવું જોઈએ, પરંતુ તેને સક્ષમ, સશક્ત અને રોજગારી પ્રદાન કરવા માટેનાં એક લીવર તરીકે પણ જોવું જોઈએ : શ્રી જી. કે. રેડ્ડી
ભારતનાં જી-20નાં અધ્યક્ષસ્થાનેથી સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા પર ભારત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છેઃ શ્રી જી કે રેડ્ડી
જી20 અંતર્ગત પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક ‘સામુદાયિક સશક્તીકરણ અને ગરીબી નાબૂદી માટે ગ્રામીણ પ્રવાસન’ પર પેનલ ડિસ્કશનના સહકાર્યક્રમ સાથે આજે શરૂ થઈ હતી. આજના આ સહકાર્યક્રમમાં કેન્દ્રીય સાંસ્કૃતિક, પ્રવાસન અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના મંત્રી શ્રી જી. કે. રેડ્ડીએ મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.
પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું, રંગારંગ અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ભુજ એરપોર્ટ તેમજ ટેન્ટ સિટી, ધોરડો, કચ્છનાં રણ ખાતે લોક કલાકારો દ્વારા રજૂ કરાયેલ પર્ફોર્મન્સનો સમાવેશ થતો હતો. પેનલ ડિસ્કશનમાં ઇન્ડોનેશિયા, ઇટાલી, સ્પેન, જાપાન, યુએનઇપી સાથે આઇએલઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી ઓયો અને ગ્લોબલ હિમાલયન એક્સપિડિશન સાથે મધ્ય પ્રદેશ, ગુજરાત અને નાગાલેન્ડ સરકારના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. અન્ય વિષયોમાં હોમસ્ટે, કોમ્યુનિટી બેઝ્ડ ઇકો ટુરિઝમ અને કચ્છનાં રણના રૂરલ ટુરિઝમ મૉડલ દ્વારા મહિલા સશક્તીકરણ પર ચર્ચા અને પ્રેઝન્ટેશન્સ યોજાયાં હતાં.
કેન્દ્રીય સંસ્કૃતિ, પ્રવાસન અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના મંત્રી શ્રી જી. કે. રેડ્ડીએ મુખ્ય સંબોધન કરતાં કહ્યું હતું કે, જ્યારે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ કટોકટીની ઘડીએ જી-20નું પ્રમુખપદ સંભાળવું એ ભારત માટે સન્માન અને જવાબદારીની બાબત છે.
કેન્દ્રીય મંત્રીએ એ હકીકત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, ભારતનાં જી20નાં પ્રમુખપદ દરમિયાન સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં એક વાહન તરીકે પ્રવાસનનો ઉપયોગ કરવા પર ભારત ધ્યાન કેન્દ્રિત કરે છે. મહાત્મા ગાંધીને ટાંકીને શ્રી જી કે રેડ્ડીએ જણાવ્યું હતું કે, “ભારતનો આત્મા તેનાં ગામડાંઓમાં વસે છે” અને આ રીતે આપણાં ગામડાંઓ પ્રદર્શિત કરીને, દેશની જીવનશૈલી, દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત અને દેશની કુદરતી સુંદરતા પ્રદર્શિત કરવામાં આવી રહી છે. શ્રી જી. કે. રેડ્ડીએ એવું પણ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગામડાં આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે.
શ્રી જી કે રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસનમાં ઓછામાં ઓછાં રોકાણ સાથે મહત્તમ સંખ્યામાં રોજગારીનું સર્જન કરવાની સંભવિતતા છે અને એટલે પ્રવાસન આર્થિક પરિવર્તન, ગ્રામીણ વિકાસ અને સામુદાયિક સુખાકારી માટે સકારાત્મક બળ બની શકે છે.
યુએનડબલ્યુટીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામોમાંનું એક જાહેર કરવામાં આવ્યું છે એ તેલંગાણામાં પોચામ્પલી ગામનું ઉદાહરણ આપીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ગામડાંઓને ગ્રામીણ પર્યટન માટે વૈશ્વિક માન્યતા મળવા માંડી છે.
શ્રી જી કે રેડ્ડીએ એ હકીકત પર પણ ભાર મૂક્યો હતો કે, પ્રવાસન સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓનાં વેચાણને સક્ષમ બનાવવા, યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા સક્ષમ બનાવવા માટે; મહિલાઓને રોજગારી આપવા અને આદિવાસીઓ જેવા બિન-લાભદાયી સમુદાયોને રોજગારી આપવા એક ચેનલ પૂરી પાડે છે અને આ રીતે સામુદાયિક સશક્તીકરણ અને ગરીબી નિવારણ તરફ દોરી જાય છે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે, ભારત સરકારનાં પ્રવાસન મંત્રાલયે સૌ પ્રથમ વાર ગ્રામીણ પ્રવાસનના વિકાસ માટે રાષ્ટ્રીય વ્યૂહરચના અને રોડમેપ પર મુસદ્દો તૈયાર કર્યો છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનાં “આત્મનિર્ભર ભારત”નાં વિઝનને અનુરૂપ છે.
પેનલિસ્ટોએ પ્રેઝન્ટેશન આપ્યું હતું અને ગ્રામીણ પર્યટનનાં ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રથાઓ, સફળતાની ગાથાઓ સંભાવનાઓ, તકો અને મુદ્દાઓ પર પ્રકાશ પાડતા ચર્ચાઓ કરી હતી.
ગુજરાતનાં કચ્છનાં રણના ધોરડો ખાતે યોજાયેલી પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકમાં 100થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. ભારતનાં જી-20નાં પ્રમુખપદ દરમિયાન પ્રવાસન ક્ષેત્રમાં પ્રાથમિકતા ધરાવતાં પાંચ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જે પ્રવાસન ક્ષેત્રની સંક્રાંતિને વેગ આપવા માટે મુખ્ય નિર્માણ એકમોની રચના કરશે અને વર્ષ 2030ના સ્થાયી વિકાસ લક્ષ્યો માટેનાં લક્ષ્યાંકો હાંસલ કરશે. આ પાંચ પ્રાથમિકતામાં સ્થાયી, જવાબદાર અને સ્થિતિસ્થાપક પ્રવાસન ક્ષેત્ર માટે ગ્રીન ટૂરિઝમ” પ્રવાસન ક્ષેત્રને હરિયાળું બનાવવા” ; ડિજિટલાઇઝેશન- “પ્રવાસન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા, સમાવેશન અને સ્થાયીત્વને પ્રોત્સાહન આપવા ડિજિટલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરવો”; કૌશલ્ય “પ્રવાસન ક્ષેત્રમાં રોજગારી અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્ય સાથે યુવાનોને સશક્ત બનાવવા”; પ્રવાસન એમએસએમઇ “પ્રવાસન ક્ષેત્રમાં નવીનતા અને ગતિશીલતા લાવવા માટે પ્રવાસન એમએસએમઇ /સ્ટાર્ટઅપ્સ / ખાનગી ક્ષેત્રનું પોષણ કરવું” અને ગંતવ્ય વ્યવસ્થાપન “એસડીજી પર પ્રદાન કરે એવા સંપૂર્ણ અભિગમ તરફ સ્થળોનાં વ્યૂહાત્મક વ્યવસ્થાપન પર પુનર્વિચાર”નો સમાવેશ થાય છે.
આવતીકાલે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં પ્રવાસન, સંસ્કૃતિ અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ વિભાગના મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા તથા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. તેમાં ભાગ લેનારાઓમાં જી-20ના સભ્ય દેશો, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સામેલ હશે.
કચ્છનાં રણ, સિલુગીરી, ગોવા અને ઉત્તર ભારતનાં એક સ્થળ સહિત વિવિધ સ્થળોએ પ્રવાસન ટ્રેકની ચાર જી-20 બેઠકો યોજાઇ રહી છે. જી-20ની બેઠકો દરમિયાન વિવિધ દેશો જે દિશાને આગળ ધપાવવા સંમત થયા છે તે દિશાને આવરી લેતી એક મંત્રી સ્તરીય વાતચીત સમિટના અંતે પ્રસ્તુત કરવામાં આવશે. જી-20 ઇવેન્ટ્સ માટે પસંદ કરવામાં આવેલાં વિવિધ સ્થળોમાં ગ્રામીણ, પુરાતત્ત્વીય, ઐતિહાસિક જેવી વિવિધ લહેજતનો સમાવેશ કરવામાં આવશે.
પ્રવાસન ટ્રેકની ચાર જી-20 બેઠકો ઉપરાંત જી-20 બેઠકોના સમયગાળા દરમિયાન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મેગા ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલય નવી દિલ્હીમાં એપ્રિલ/મે, 2023માં પ્રથમ ગ્લોબલ ટૂરિઝમ ઇન્વેસ્ટર્સ સમિટ (જીટીઆઈએસ); મે મહિનામાં એમઆઇસીઇની વૈશ્વિક પરિષદ; જૂનમાં જી20 સીઈઓ ફોરમનું નું આયોજન કરશે.
કચ્છનાં રણની બેઠક દરમિયાન એક મુખ્ય વિશેષતા પુરાતત્ત્વીય પર્યટનને પ્રદર્શિત કરવાની છે જેના ભાગરૂપે પ્રતિનિધિઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા ધોળાવીરાના પ્રવાસે લઇ જવામાં આવશે. પ્રતિનિધિઓ સમક્ષ સ્થાનિક કળાઓ અને હસ્તકળાનું જીવંત નિદર્શન કરવામાં આવશે અને પ્રતિનિધિઓને ફેરવેલ ગિફ્ટ પણ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલ હેઠળ હશે.