અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો હવે પુરી રીતે વણસી ગયા છે. તેમાંય અમેરિકાએ હ્યુસ્ટન અને ટેક્સાસ સ્થિત ચીની એમ્બેસી બંધ કરવાની ફરજ પાડી છે તો બીજી તરફ ચીને ચેંગ્ડુ સ્થિત એમ્બેસી બંધ કરી દીધી છે. બંને દેશો વચ્ચેના તણાવમાં બાદ સાન ફ્રાન્સિસ્કો ખાતે ચીની એમ્બેસીમાં કાર્યરત મહિલા વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે, તે ખોટા દસ્તાવેજો વડે અમેરિકા પહોંચી હતી અને ચીન વતી જાસુસીમાં સંડોવાયેલી હતી. વિવિધ 25 જેટલાં ચીની જાસુસો અમેરિકામાં કાર્યરત હોવાની તેમની પાસે માહિતી છે અને બહુ ઝડપથી એ દરેકની ધરપકડ કરી લેવાશે FBI ના દાવા મુજબ, ટેન્ગ જુઆન નામની બાયોલોજીની વૈજ્ઞાનિક મહિલાની વિઝા સંબંધી દસ્તાવેજોમાં છેતરપીંડી અંગે ધરપકડ કરાઈ છે. મહિલા વૈજ્ઞાનિક અમેરિકી સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં જાસુસીમાં સંડોવાયેલી હોવાનો FBIએ આરોપ મૂક્યો છે. FBIની પૂછપરછ દરમિયાન ટેન્ગ જુઆને પોતે ચીની સૈન્ય સાથે સંબંધ ન ધરાવતી હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેનાં મકાનની તલાશી અને સોશિયલ મીડિયાના તેના એકાઉન્ટ્સની છાનબીન દરમિયાન કેટલીક તસવીરો મળી હતી જેમાં તે મહિલા વિવિધ પ્રસંગે ચીની સૈન્ય પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ના યુનિફોર્મમાં જણાઈ હતી. અમેરિકામાં તે બાયોસાયન્ટિસ્ટ તરીકે પ્રવેશી હતી, પરંતુ વાસ્તવમાં તે ચીની સૈન્યની મેડિકલ યુનિવર્સિટી સંબંધિત જવાબદારી સંભાળતી હતી.