આજે યોજાનાર જૂનિયર ક્લાર્કનું પેપર ફૂટતાં પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. પોલીસે બાતમીને આધારે એક યુવકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આજે જૂનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે, 9.53 લાખ ફોર્મ ફરાયા હતાં. જેમાંથી 7.65 લાખ ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કર્યા હતાં.
આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક પત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જુનિયર ક્લાર્ક (વહીવટ હિસાબ )ની જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષા આજે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજાનાર હતી. પરતું અનિવાર્ય સંજોગોને કારણે મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખની ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે.
જોકે, કેટલાક ઉમેદવારો તેમના એક્ઝામ સેન્ટર પર આજે સમયસર પહોંચી જવા માટે ગઈકાલે રાત સુધીમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવી પહોચ્યા છે. હવે આ વિદ્યાર્થીઓ અફસોસ કરી રહ્યા છે. પરીક્ષા મોકૂફ કરાતા ઉમેદવારો પોતાના મૂળ રહેઠાણ જવા માટે એસટીમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આ માટે તેમણે તેમનો કોલ લેટર તેમજ ઓળખપત્ર બતાવવાનું રહેશે. અગાઉ પણ ઘણીવાર પેપર ફૂટ્યા છે અને ઉમેદવારોને રડવાનો વારો આવ્યો છે.