અમદાવાદ પોલીસે લોન અપાવાના બહાને છેતરપીંડી કરતા મુંબઈના બે શખ્સોને ઝડપી લીધા છે. મુંબઈમાં લોન અપાવવાના બહાને વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવતી ટોળકીના 2 સાગરિતની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી. ચાંદખેડા પોલીસે ન્યૂ સીજી રોડ પરથી એક શંકાસ્પદ કાર પકડી હતી, જેમાં તરુણ સચદેવ અને સતપાલસિંઘ મલ્લી નામનાં આ બંને ગઠિયા 25 લાખ, 12 મોબાઈલ, લેપટોપ સાથે પસાર થઇ રહ્યા હતા. પૂછપરછમાં બંનેએ કબૂલાત કરતા ચાંદખેડા પોલીસે મુંબઈ પોલીસને સોંપી દીધા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ખરાદી સ્ટાફના માણસો સાથે ચાંદખેડા ન્યૂ સીજી રોડ સોના ક્રોસ રોડ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી એક કારને પોલીસે અટકાવી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાં 2 માણસ પાસેથી રોકડા 25 લાખ, ચેકબુકો મળી આવી હતી. પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, તરુણ અને સતપાલસિંઘ તેમના સાગરિતો સાથે મળીને મુંબઈના વેપારીઓને પ્રોજેક્ટ લોન અપાવવાના બહાને સ્ટેમ્પ ડયુટી, ફાઈલ ચાર્જ અને પ્રોસેસીંગ ફીના નામે લાખો રૂપિયા પડાવતા હતા. આ ટોળકી વિરુદ્ધ મુંબઈના ખારગર પોલીસ સ્ટેશનમાં 2019માં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં તેમના બીજા સાગરિતો પકડાયા હતા, જ્યારે તરુણ અને સતપાલસિંઘ વોન્ટેડ હતા.